Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

બુથ-બુથ અને પેજ મિટી સુધી કેટલાકને ખજૂરી આવી છે, આવા લોકોને દોડાવી-દોડાવીને તોડી નાખીશુ, હવે કોઇને મનાવવા નથી, જેને આવવુ હોય તે આવી જાય, આ વહેતી ગંગા છે, હાથ ધોઇ લેવાયઃ સુરતના ભાજપના ધારાસભ્‍ય વિનુ મોરડીયાનું વિવાદાસ્‍પદ નિવેદન

સુરત: સુરતના ભાજપના ધારાસભ્ય વિનુ મોરડિયાએ પક્ષ વિરોધી કામ કરતા કાર્યકરોને ચેતવણી આપતા વિવાદીત નિવેદન આપ્યું છે. તો સાથે જ વિરોધી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, બૂથ-બૂથ અને પેજ કમિટી સુધી કેટલાકને ખજૂરી આવી છે, આવા લોકોને દોડાવી-દોડાવીને તોડી નાખીશું. હવે કોઈને મનાવવાના નથી, જેને આવવું હોય તે આવી જાય. આ વહેતી ગંગા છે, હાથ ધોઈ લેવાય.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બંને પક્ષે નારાજગીનો દોર જોવા મળી રહ્યો છે. કોંગ્રેસની સાથે ભાજપમાં પણ અનેક કાર્યકર્તા નારાજ થયા છે. આવામાં સુરતના ધારાસભ્ય વિનુ મોરડિયાનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. પક્ષ વિરોધી કાર્ય કરતા કાર્યકરોને વિનુ મોરડિયાએ ખુલ્લી ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, બુથ-બુથ અને પેજ કમિટી સુધી કેટલાકને ખજૂરી આવી છે. આવા લોકોને દોડાવી-દોડાવીને તોડી નાંખવાના છે.

એક કાર્યક્રમમાં જાહેર મંચ પરથી વિનુ મોરડીયાનું આવું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, હવે કોઈને મનાવના નથી, જેને આવવું હોય તે આવી જાય. આ વહેતી ગંગા છે, હાથ ધોઈ લેવાય. કાર્યક્રમમાં પોતાના આ નિવેદન અંગે તેમણે જણાવ્યું કે, જે લોકો પક્ષવિરોધી પ્રવૃત્તિ કરતા હોય તેઓને સમજાવાયા હતા, પણ હવે ન સમજ્યા હોય તે લોકો પર કટાક્ષ હતો. હવે તેઓને કોઈ ઘરે મનાવવા નહિ જાય. પાર્ટીના કાર્યકર્તાઓને જાણ કરી કે તેમને ધ્યાનમાં ન લેવા. ભાજપમાં તમામ કાર્યકર્તા ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. ક્યાંક પણ કોઈને અસંતોષ નથી. જેઓ ચૂંટણી પ્રચારમાં લાગ્યા છે તેમના માટે આ નિવેદન નથી. કેટલાક લોકો માટે આ નિવેદન છે. વારંવાર જેમને સમજાવ્યા છે છતા તેઓ માન્યા નથી.

(4:44 pm IST)