Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

વલસાડના ધરમપુરમાં 10 વર્ષની બાળા ઉપર દુષ્‍કર્મ આચરનાર ગણેશ સુરેશ ગવિતને 10 વર્ષની સખ્‍ત કેદ અને પ હજારનો દંડઃ પીડિત બાળાને 7 લાખનું વળતર ચુકવવા આદેશ

વલસાડ: અહીંના ધરમપુરમાં એક યુવકે 2016માં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતુ. આ કેસમાં વલસાડની પોક્સો સ્પેશિયલ કોર્ટે આરોપીને 10 વર્ષની સખ્ત કેદ સાથે 5 હજાર રૂપિયાના દંડની સજા સંભળાવી છે. આ સિવાય રાજ્ય સરકાર દ્વારા બાળકીને 7 લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ કર્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ધરમપુર વિસ્તારમાં રહેતી બાળકીની એકલતાનો લાભ ઉઠાવીને પડોશી આરોપી ગણેશ ગાવિતે પોતાની હવસ સંતોષી હતી. જો કે ઘટના સમયે બાળકીના ભાઈ બચાવવા પહોંચે, તે પહેલા આરોપી ફરાર થઈ ગયો હતો. આ ઘટના બાદ બાળકીના પરિવારજનો દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી આરોપી ગણેશ સુરેશ ગવિતની ધરપકડ કરી હતી.

આ મામલે વલસાડ પોક્સો સ્પેશિયલ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન DGP અનિલ ત્રિપાઠીની દલીલોને માન્ય રાખતા સેશન્સ કોર્ટે આરોપી ગણેશ સુરેશ ગાવિતને કસૂરવાર ઠેરવીને 10 વર્ષની કેદની સજાનો આદેશ આપ્યો છે. આ સાથે જ કોર્ટે આરોપીને 5 હજાર રૂપિયાનો દંડ અને પીડિત બાળકીને 7 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.

(4:45 pm IST)