Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણીમાં કોંગ્રેસની મુશ્‍કેલી અટકવાનું નામ નથી લેતીઃ ઉત્તર-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્‍ટ્રમાં જુના નેતાઓનો બળવો

ગાંધીનગર: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય રંગ જામ્યો છે, ત્યારે કોંગ્રેસની મુશ્કેલી અટકવાનું નામ નથી લઈ રહી. ટિકિટ વહેંચણીથી નારાજ એક પછી એક નેતાઓ પાર્ટી સાથે છેડો ફાડી રહ્યાં છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર એમ ચો તરફથી કોંગ્રેસમાં જૂના નેતાઓ બળવો પોકારી રહ્યાં છે. કોંગ્રેસના નેતાઓ એક પછી એક પાર્ટીનો સાથ છોડીને ભાજપમાં ભળી રહ્યાં છે અથવા તો અપક્ષ ઉમેદવારી નોંધાવી રહ્યાં છે. એવામાં કોંગ્રેસ ઘણાં સમયથી પોતાના નેતાઓ દ્વારા પાર્ટી છોડીને જતા રહેવાની સમસ્યાનો સામનો કરી રહી છે. જેના પગલે ગુજરાતમાં કોંગ્રેસ દિન-પ્રતિદિન નબળી પડતી જાય છે.

વિરમગામ કોંગ્રેસમાં ભડકો, સિટીંગ કોર્પોરેટરોએ ધારાસભ્ય પર કર્યાં સંગીન આક્ષેપ

વિરમગામ કોંગ્રેસના 8 સિટીંગ કોર્પોરેટરોએ ટિકિટ વહેંચણીથી નારાજગી વ્યક્ત કરીને બળવો પોકાર્યો છે. જેમાં બે પૂર્વ વિપક્ષી નેતાઓની ટિકિટ કાપવામાં આવતા 8 સિટિંગ કાઉન્સિલરોએ અપક્ષ ઉમેદવારી નોંધાવવાનો નિર્ણય કર્યો છે.

રણજીતસિંહ ડોડીયા, યાસીન મંડલી, મુસ્તાક ખવડીયા, નવઘણ ભરવાડ, મહેશ ઠાકોર, સમદ ખોખર, સરફરાઝ મંડલી અને જુબેર શેખે ધારાસભ્ય લાખા ભરવાડના ઈશારે ટિકિટ વહેંચણીમાં વહીવટ કરવામાં આવ્યો હોવાનો આરોપ મૂક્યો છે. હવે આ તમામ કોર્પોરેટરો અપક્ષ ઉમેદવારી નોંધાવી શકે છે.

કોંગ્રેસના મહિલા પ્રદેશ મંત્રી અલકા દરજીએ પાર્ટી સાથે છેડો ફાડ્યો

પાટણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ટિકિટ વહેંચણીને લઈને નારાજગી જોવા મળી રહી છે. કોંગ્રેસના મહિલા પ્રદેશ મંત્રી અલકા દરજીએ પાર્ટી સાથે છેડો ફાડતા આરોપ મૂક્યો છે કે, કોંગ્રેસમાં ટિકિટનો વહીવટ થઈ રહ્યો છે. તેમણે પોતાની પાસે કોંગ્રેસમાં ટિકિટના વહીવટ થતા હોવાના પુરાવા હોવાનું પણ જણાવ્યું છે. જ્યારે પાટણ જિલ્લા કોંગ્રેસના મંત્રી પદેથી પ્રદીપ ઠાકોરે પણ પોતાનું રાજીનામું આપી દીધુ છે.

માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ શ્યામજી ચૌધરી કોંગ્રેસથી નારાજ

સુરત કોંગ્રેસમાં પણ ટિકિટ વહેંચણીને લઈને બળવાની સ્થિતિ સર્જાઈ છે. જેમાં માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ શ્યામજીભાઈ ચૌધરીએ પણ પાર્ટીમાં ટિકિટ વિતરણને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરીને રાજીનામું આપવાની ચિમકી ઉચ્ચારી છે. શ્યામજીભાઈએ નાની નરોળી જિલ્લા પંચાયતમાં પોતાના ઉમેદવારને ટિકિટ ના મળતા બળવો પોકાર્યો છે.

વિસનગરના પૂર્વ ધારાસભ્યએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું Gujarat Congress

જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ટિકિટ વહેચણીથી નારાજ કિરીટ પટેલે કોંગ્રેસમાંથી પોતાનું રાજીનામું આપ્યું છે. કિરીટ પટેલે જિલ્લા પંચાયતની ટિકિટ વિશ્વાસમાં લીધા વિના અપાતા પાર્ટી પર પોતાનો રોષ ઠાલવ્યો હતો. જણાવી દઈએ કે, કિરીટ પટેલ વર્ષ 1995માં ભાજપની બેઠક પરથી વિસનગરમાંથી ચૂંટાયા હતા.

જો કે શંકરસિંહે બળવો પોકારતા કિરીટ સિંહ શંકરસિંહ સાથે રહ્યાં હતા અને તેમની સરકારમાં મંત્રી પણ બન્યા હતા. જે બાદ 2014માં કોંગ્રેસે તેમને લોકસભાની ટિકિટ આપી હતી, પરંતુ ભાજપના લાલકૃષ્ણ અ઼ડવાણી સામે તેમનો પરાજય થયો હતો.

ગાંધીનગર જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જશુભા રાણાએ પાર્ટી છોડી

ગાંધીનગરમાં પણ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. જેમાં ગાંધીનગર જિલ્લા પંચાયતની છાલા બેઠક પર પોતાના ઉમેદવારને ટિકિટ ના મળતા નારાજ થયેલા જિલ્લાના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ જશુભા રાણાએ પાર્ટી છોડી દીધી છે. જશુભા રાણા કોંગ્રેસ શાસિત ગાંધીનગર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને પ્રદેશ કોંગ્રેસમાં પૂર્વ મહામંત્રી તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે.

જણાવી દઈએ કે, કોરોના વાઈરસની સ્થિતિને પગલે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે તબક્કામાં તબક્કામાં યોજાવા જઈ રહી છે. જેમાં પ્રથમ તબક્કામાં મહાનગરપાલિકા અને બીજા તબક્કામાં નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી યોજાશે. 6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે, જ્યારે 28મી ફેબ્રુઆરીએ નગરપાલિકા તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. જેનું પરિણામ 5 માર્ચના દિવસે જાહેર કરાશે.

(4:46 pm IST)