Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

બહુપાંખિયા જંગના પગલે ભાજપને પોતાની રણનીતિ બદલવાની ફરજ પડીઃ ભરૂચ બેઠક ઉપર ભાજપે લઘુમતી કાર્ડ ખેલ્‍યુઃ 31 મુસ્‍લિમ ઉમેદવારોને ટિકીટ આપી

ભરૂચ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય રંગ જામ્યો છે, ત્યારે મતદારોને રિઝવવા માટે તમામ પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવી રહી છે. આ વખતની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી અને ઓવૈસીની પાર્ટી AIMIM પણ ચૂંટણીના મેદાનમાં હોવાથી જંગ રોમાંચક બન્યો છે. બહુપાંખિયા જંગને પગલે ભાજપને પોતાની રણનીતિ બદલવાની ફરજ પડી છે. જેમાં ભરૂચ બેઠક પર ભાજપે લઘુમતી કાર્ડ ખેલ્યુ હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.

ભરૂચ જિલ્લામાં 9 તાલુકા પંચાયત, 4 નગર પાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં જૂના નેતાઓના પત્તા કપાયા છે. જો કે આ યાદીમાં ખાસ વાત એ રહી કે, ભાજપે 31 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી છે. ભાજપ તરફથી જાહેર કરવામાં આવેલા 320 ઉમેદવારો પૈકી 31 મુસ્લિમ છે.

ભાજપ દ્વારા મુસ્લિમ ઉમેદવારોની પસંદગી પાછળ અહીં ભારતીય ટ્રાઈબલ પાર્ટી અને ઓવૈસીની AIMIM પાર્ટીના ગઠબંધનની મજબૂત બની રહેલી પક્કડ માનવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં AIMIMના ચીફ ઓવૈસીએ ભરૂચમાં જનસભા સંબોધીને લઘુમતી અને આદિવાસી સમાજને પોતાના ગઠબંધનને મત આપવા માટે હાકલ કરવામાં આવી હતી. આટલું જ નહીં, ઓવૈસીની રેલીને અહીં સારો પ્રતિસાદ સાંપડતો જોઈને ભાજપે પણ છેલ્લી ઘડીએ મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતારવાનું મન મનાવ્યું હોય તેમ રાજકારણના જાણકારોનું માનવું છે.

(4:47 pm IST)