Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

અમદાવાદમાં સોલા સિવિલમાં કોરોના દર્દીનું મોત થતા પરિવારજનો વિફર્યા : હોસ્પિટલમાં તોડફોડ : સ્ટાફને મારકૂટ : ત્રણ આરોપીની ધરપકડ

દર્દીના સગાઓએ હોસ્પિટલ આવી ગાળો બોલી, કોણ છે ડોક્ટર મારી માને મારી નાખી તેમ કહી તોડફોડ કરવા લાગ્યા:લાકડી લઇને આવતા હોસ્પિટલનો સ્ટાફ એક રૂમમાં પુરાઈ ગયો

અમદાવાદ : સોલા સિવિલમાં કોરોના દર્દીનું મોત થતા પરિવારજનો ઉશ્કેરાઈ ગયા હતા અને હોસ્પિટલના સ્ટાફ સાથે ઝઘડો કરી મારઝુડ કરવા લાગ્યા હતા. એટલુ જ નહીં હોસ્પિટલમાં મારામારી થઈ ભારે નાસભાગ મચી ગઈ હતી. બાદમાં લાકડીઓ લઈને હોસ્પિટલમાં તોડફોડ પણ કરાઈ હતી. મારમારીથી ડરી ગયેલો હોસ્પિટલનો સ્ટાફ બચવા માટે એક રૂમમાં સંતાઈ ગયો હતો. આ અંગે હોસ્પિટલના ઈન્ચાર્જે ત્રણ શખ્સોના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે ગુનો દાખલ કરી મોડી સાંજે 3 આરોપીની ધરપકડ કરી હતી.

વસ્ત્રાલમાં રહેતા અને સોલા સિવિલના ઇન્ચાર્જ પ્રદિપકુમાર પટેલે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, રાત્રિના સમયે એક વાગ્યે હોસ્પિટલમાંથી નર્સિંગ સ્ટાફે ફોનમાં જણાવ્યું હતું કે, એક કોરોના દર્દીનું મોત થતાં સગા વાહલાઓ ઝઘડો કરી ગાળાગાળી કરી તોડફોડ કરી રહ્યા છે. તેથી તેઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા.

ગત રોજ 8 તારીખે દર્દી રીનાબેન શ્યામસિંહ કોરોના પોઝિટિવ આવતા શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમણે આઇસીયુ વોર્ડમાં દાખલ કર્યા હતા. જો કે તેમણી તબિયત વધુ લથડતા દર્દીના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો. પરંતુ તેમનો ફોન લાગ્યો ન હતો. ત્યારબાદ બીજા દિવસે દર્દીના સગાઓ હોસ્પિટલ આવી જેમ ફાવે તેમ ગાળો બોલી કોણ છે ડોક્ટર મારી માને મારી નાખી તેમ કહી તોડફોડ કરવા લાગ્યા હતા. લાકડી લઇને આવતા હોસ્પિટલનો સ્ટાફ એક રૂમમાં પુરાઈ ગયો હતો

હોસ્પિટલ સ્ટાફનું કહેવુ છે કે, તોડફોડ તેમજ મારામારી કરતા દર્દીના સગાઓ દારુ પિધેલા હતા. આવા સમયે સિક્યોરિટી સ્ટાફે રોકવાનો પ્રયાસ કરતા તેમણી સાથે મારા મારી કરી હતી. ડરના મારે હોસ્પિટલનો સ્ટાફ રૂમાં પૂરાઇ ગયો હતો. તો બીજી તરફ દર્દીના સગાઓ ભારે તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપવા લાગ્યા હતા. આ અંગે હોસ્પિટલના ઇન્ચાર્જે થલતેજમાં રહેતા ઉદય શામસિંગ ઠાકુર, સાગર શામસિંગ ઠાકુર, અને જીતેન્દ્ર જયમીન ઠાકુર સામે ફરિયાદ નોંધાવતા તેમની ધરપકડ કરવામાં આવી હતી

(9:33 am IST)