Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

આદ્યશક્તિ અંબાજી મંદિર 30મી એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવા નિર્ણય

અંબાજી માતાનું મંદિર તા.13મીથી 30મી એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો હોવાની જાહેરાત

વિશ્વભરમા કોરોના મહામારીએ કાળો કેર વર્તાવ્યો છે. જેને ધ્યાનમાં લઇને આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ધાર્મિક સ્થાનોએ દર્શનાર્થીઓ માટે દર્શન બંધ કરવા અપીલ કરી હતી. આ અપીલના પગલે શ્રી આશાપુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજીના વહીવટદાર તરફથી આજે સાંજે અંબાજી માતાનું મંદિર તા.13મીથી 30મી એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો હોવાની જાહેરાત કરી હતી.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, વિશ્વભરમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાયેલું છે. આ સંક્રમણને અટકાવવા અને યાત્રાળુઓના આરોગ્યને ધ્યાનમાં લઇને આ નિર્ણય કરવામાં આવ્યો છે. વધુમાં ટ્રસ્ટ સંચાલિત મૂળ શક્તિપીઠ ગબ્બર મંદિર, ટ્રસ્ટ હસ્તકના પેટા મંદિરો, અંબિકા ભોજનાલય, તથા ટ્રસ્ટ સંચાલિત અંબિકા વિશ્રામગુહ અને જગજનની પથિકાશ્રમ ( હોલી ડે હોમ ) પણ આ સમયગાળા દરમિયાન બંધ રહેશે તેવી જાહેરાત કરી છે.

તેમણે વિશ્વભરમાં ફેલાયેલી આ મહામારી સામે માં અંબે સર્વેની રક્ષા કરે પ્રાર્થના કરવાની સાથે તેમણે લોકોને બિન જરૂરી બહાર ન નીકળવા, સામાજીક અંતર રાખવા સહિત કોવિડ 19ની ગાઇડલાઇનનું પાલન કરવા અપીલ કરી છે.

(11:52 pm IST)