Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

કોરોનાના નવા સ્ટ્રેનમાં જોવા મળેલા ખાસ લક્ષણો

પેટ સંબંધી તકલીફ સાથે આંખોમાંથી પાણી નીકળવા સહિતની પણ ફરિયાદો

ઇન્ટનેશનલ જર્નલ ઓફ ઓડિયોલોજીના અહેવાલ પ્રમાણે લાંબો સમય કોરોનાથી બીમાર રહેનારાઓની ઉંઘ અને મેમરીલોસ ઉપર પણ અસર

અમદાવાદ,તા. ૧૩: અમદાવાદ શહેર સહીત રાજયભરમાં કોરોનાની બીજી લહેર ઘાતક બનતી પુરવાર થતી જોવા મળી રહી છે.આ પરિસ્થિતિમાં કોરોનાના પહેલા સ્ટ્રેનની તુલનામાં બીજા સ્ટ્રેનમાં દર્દીઓમાં કેટલાક ખાસ લક્ષણ જોવા મળ્યા હોવાનું ઈન્ટરનેશનલ જર્નલ ઓફ ઓડિયોલોજીના એક તારણમાં બહાર આવવા પામ્યું છે.કોરોનાના નવા સ્ટ્રેનમાં દર્દીને પેટ સંબંધી તકલીફ હોવા ઉપરાંત આંખોમાંથી પાણી નીકળવા સહિતની પણ ફરીયાદો જોવા મળતી હોવાનું રીપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે.

આ અંગે મળતી માહીતી મુજબ,સમગ્ર વિશ્વમાં કોરોનાના બીજા સ્ટ્રેનની ઘાતકતા જોવા મળી રહી છે.આ પરિસ્થિતિમાં કોરોનાના નવા સ્ટ્રેનમાં કેટલાક ખાસ લક્ષણો જોવા મળી રહ્યા છે. ઈન્ટરનેશનલ જનરલ ઓફ ઓડિયોલોજીના રીપોર્ટના તારણ મુજબ,કોરોનાના પહેલા સ્ટ્રેનમાં કોરોનાના દર્દીમાં તાવ આવવો,શ્વાસ લેવામાં તકલીફ થવી,શરદી અને ખાંસી થવી જેવા લક્ષણો જોવા મળતા હતા.નવા સ્ટ્રેનમાં આ લક્ષણો ઉપરાંત ઈન્ફેકશનના નવા વેરીયન્ટમાં આંખો હળવી લાલ થવી,આંખોમાં લાલાશ આવવી,સોજો આવવો કે આંખોમાંથી પાણી નીકળવાની ફરીયાદ પણ જોવા મળી રહી છે.

રીપોર્ટમાં કહેવામાં આવ્યા મુજબ,પેટ સાથે સંકળાયેલી ફરીયાદો પણ નવા સ્ટ્રેનમાં દર્દીઓમાં જોવા મળી રહી છે.આ સાથે જ ડાયેરીયા થવા,ઉલટી થવી તેમજ પાચન સંબંધી તકલીફ પણ કોરોનાના દર્દીઓમાં જોવા મળી રહી માથામાં દુખાવો થવો,સૂકી ખાંસી આવવી ઉપરાંત ગળામાં દુખાવો થવો કે શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો કોરોનાના નવા સ્ટ્રેનના દર્દીઓમાં જોવા મળી રહ્યા છે.તારણમાં કહેવામાં આવ્યા મુજબ,જો કોરોનાના દર્દી લાંબો સમય બીમાર રહે તો મેન્ટલ કન્ફયુઝનની સમસ્યા જોવા મળે છે.ઉપરાંત તેની ઉંઘ અને મેમરી લોસ ઉપર પણ અસર પડી શકે છે.

(10:30 am IST)