Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

વડોદરાના સ્મશાનમાં 10-10 કલાકનું વેઈટીંગ:હવે 2 ગેસ અને 18 લાકડાની ચિતા ઉપલબ્ધ

ખાસવાડી સ્મશાન કે જ્યાંની ચિતા ઠંડી પડતી જ નથી: રોજ 70થી પણ વધારે મૃતદેહોના અંતિમ સંસ્કાર

વડોદરામાં કોરોના વાયરસે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા એક પછી એક લોકો મોતને ભેટી રહ્યા છે, ત્યારે શહેરના કારેલીબાગ ખાતે આવેલા ખાસવાડી (બહૂચરાજી) સ્મશાનમાં ઉપરા છાપરી મૃતદેહો આવવા લાગ્યા છે. સ્મશાનની કેપેસીટી કરતા પણ વધારે પ્રમાણમાં કોરોના અને શંકાસ્પદ કોરોનાના દર્દીઓના મૃતદેહો આવતા આખરે તંત્રએ બીજી ત્યાં વધારાની 6 ચિતા ઉભી કરવાનો વારો આવ્યો હતો. જે સાથે હાલમાં ત્યાં 20 ચિતા ઉપલબ્ધ કરાવાઈ છે. જેમાં 2 ગેસ ચિતા અને બાકીની 18 લાકડાની ચિતા છે.

વડોદરા શહેરમાં કોરોનાની પરિસ્થિતિ વધુને વધુ ભયાનક બનતી જાય છે. ચારેબાજુ કોરોના ફેલાઈ ગયો છે અને કોરોના અને શંકાસ્પદ કોરોનામાં દર્દીઓના હોસ્પિટલોમાં મોત થઈ રહ્યા છે. તેમજ ઘરે પણ દર્દીઓ મૃત્યુને ભેટી રહ્યાં છે ત્યારે શહેરમાં સૌથી વધુ વ્યસ્ત રહેતુ સ્મશાન એટલે ખાસવાડી સ્મશાન કે જ્યાંની ચિતા ઠંડી પડતી જ નથી. ત્યાં રોજ 70થી પણ વધારે મૃતદેહોના અંતિમ સંસ્કાર કરાય છે. ત્યાં બે ગેસ ચિતા અને 12 લાકડાની ચિતા ઉપલબ્ધ હતી. તેમ છતાં અંતિમ ક્રિયા કરવી હોય તો 10-10 કલાકનુ વેઈટીંગ ચાલતુ હતુ.

અત્યાર સુધી તંત્રએ હોસ્પિટલોમાં બેડ વધાર્યા હતા અને એ પછી કોરોના અને શંકાસ્પદ કોરોનાના મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવા માટે સ્મશાનો વધાર્યા હતા. અને હવે ચિતાઓ વધારવાની નોબત આવી હતી.

ખાસવાડી સ્મશાનમાં ઉપરા છાપરી મૃતદેહો આવતાં જ રહેતા આખરે તંત્રએ ત્યાં ચિતાઓ વધારવાની પણ ફરજ પડી હતી. તંત્રએ ત્યાં બીજી 06 લાકડાની ચિતા તાબડતોબ ઊભી કરી હતી. જેથી મૃતદેહોનુ વહેલી તકે અંતિમ સંસ્કાર કરી શકાય. હાલમાં ત્યાં બે ગેસ ચિતા અને 18 લાકડાની ચિતા છે. નોંધનીય છે કે, સ્મશાનમાં પોલીસ બંદોબસ્ત મૂકવો પડે તેવી પરિસ્થિતિનુ નિર્માણ થયુ હતુ. અને ગઈકાલે પોલીસ ત્યાં મૂકી દેવાઈ હતી જે ઐતિહાસીક ઘટના બની હતી.

(11:45 am IST)