Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

મોબાઈલ ચોરતા પકડાવા છતાં રુઆબ મારનારને માર માર્યો

રેલવે સ્ટેશન પર મોબાઈલ ચોરતા રંગેહાથ ઝડપાયો : ચોરોને ઉધના પોલીસ સાથે ઘરોબો હોવાનો અને ૧૦ જણાથી વધુની ગેંગ સક્રિય હોવાનો મુસાફરોનો આક્ષેપ

સુરત, તા. ૧૩ : ઉધના રેલવે સ્ટેશન પર ટ્રેનમાં શ્રમજીવીઓના મોબાઈલ તફડાવતા રંગેહાથે ઝડપાયેલા એક ઇસમને મુસાફરોએ મેથીપાક આપ્યો હોવાનો વીડિયો વાઇરલ થયો છે. દાનાપુર ટ્રેનમાં એક નહીં ૪-૫ મુસાફરોના મોબાઇલ ચોરાયા હોવાનું બહાર આવતાં મુસાફરોએ હાથ જોડીને મોબાઈલ પરત આપવા વિનંતી અને આજીજી કર્યા બાદ પોલીસને બોલાવવાનો રૂઆબ કરતા મોબાઈલચોરને પાઠ શિખાવવા કાયદો હાથમાં લીધો હોવાનું સ્પષ્ટ થાય છે.

વારંવાર મુસાફરોને પોલીસ કે પાસ ચલ, એવી ધમકીભર્યા શૂરમાં મોબાઈલચોરના ઉધના પોલીસ સાથેનો ઘરેબો અનેક પ્રશ્નો ઊભા કરે છે. સ્થાનિક લોકોએ કહ્યું હતું કે ટ્રેનમાં મોબાઈલ ચોરી, કીમતી સમાનની ચોરી, પર્સ અને દાગીના ચોર ગેંગ સાથે રેલવે પોલીસના સંબંધોને લઈ પ્રવાસી મુસાફરો લૂંટાતા હોય છે.

નામ ન લખવાની શરતે એક મુસાફરે જણાવ્યું હતું કે આ તો રોજિંદું છે. ચોર પકડાય અને પોલીસ સ્ટેશનમાં લઈ જઈએ તો મુસાફરોને કલાકો સુધી બેસાડી સવાલ-જવાબ અને નિવેદનમાં ટ્રેન ચુકાવી દેવાય છે. મુસાફર કંટાળીને ફરિયાદ ન કરે એટલે ચોર સરળતાથી છૂટી બીજા મુસાફરોને ટાર્ગેટ કરવાની લાઈનમાં ઊભા રહી જાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ કોઈ પ્રવાસી ચોરો નથી. સ્થાનિક છે હિસ્ટ્રી લાંબી છે, પોલીસ ચોપડે કુખ્યાત છે. આવા ચોરો સામે ગુજસીટોક દાખલ કરી કાયમી ઉકેલ લાવવો જોઈએ. આ તમામ ચોરો માત્ર ટ્રેનના પ્રવાસી શ્રમજીવી મુસાફરોને જ નિશાન બનાવે છે. એની પાછળનું એક કારણ એ પણ કહી શકાય કે મુસાફર ક્યાં ફરિયાદ કરશે. બીજું એક કારણ એ પણ કહી શકાય કે, આ ચોરો બધા જ એકલ-દોકલ કામ કરતા હતા. આવી ૧૦થી વધુ ગેંગ છે. જ્યારે મુસાફર એકલો પડી જાય ત્યારે તેને મારીને કે ધમકી આપીને ડરાવી દેવાય છે.

(7:39 pm IST)