Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

કોરોના - લોકડાઉનના કારણે ખેડૂતોમાં ઘેરી ચિંતા ઉગી : ખેતીનું ભાવિ ધૂંધળુ

માર્કેટયાર્ડ અને ટેકાના ભાવે ખરીદી બંધ થઇ જતા ઘઉં, ચણા, કપાસ ખેડૂતોના ઘરમાં પડયા રહ્યા : લોનના હપ્તા ભરવાની સમસ્યા : પોષણક્ષમ ભાવ મળવાની ચિંતા : વધારામાં કોરોનાની સારવારનો ખર્ચ

રાજકોટ તા. ૧૩ : કોરોના અને મીની લોકડાઉનના કારણે વેપાર - ઉદ્યોગની જેમ ખેતી ક્ષેત્રે પણ ઘેરી વિપરીત અસર આવી છે. માર્કેટયાર્ડોમાં હરરાજી બંધ છે. સરકારે ઘઉં, ચણા, રાયડો, તુવેર વગેરેની ટેકાના ભાવે ખરીદી બંધ કરી દીધી છે. હજુ સેંકડો ખેડૂતોના ખેતર કે ઘરમાં શિયાળુ પાક પડતર રહ્યા છે. ભવિષ્યમાં કયારે માલ વેચી શકાશે અને ભાવ કેવા મળશે ? તેની ખેડૂતોમાં ચિંતા છે. બીજી તરફ ગામડાઓમાં કોરોનાએ ભરડો વધારતા ફફડાટ વધ્યો છે. સરકાર કોરોના નિયંત્રણ માટે અસરકારક પગલા નહિ લ્યે તો ખેતીનું ચિત્ર ધૂંધળુ દેખાય છે.

કોરોનાની તીવ્ર અસર ખેતી ક્ષેત્રે જોવા મળી રહી છે. ચોમાસુ પાકની વાવણીના સમય નજીક છે. ગામડાઓમાં ઝડપથી ફેલાઇ રહેલો કોરોના ખેતી માટે ખરાબ સંકેત સમાન છે. ભારતીય હવામાન વિભાગે આ વર્ષે સામાન્ય ચોમાસાની આગાહી કરી છે. સમયસર ખેતી ઉપજ નહિ વેચાવાથી ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. અપેક્ષા કરતા ઓછા ભાવે પાક વેચી દેવો પડે તેવી સ્થિતિ સર્જાયેલ છે. ટેકાના ભાવની ખરીદી બંધ છે. ખુલ્લા બજારમાં ઓછા ભાવ મળે તેવી ભીતિ છે.

દેશમાં એપ્રિલ સુધીમાં ૨૮,૦૩૯ મીલીયન ટન ઘઉંની ટેકાના ભાવે ખરીદી થઇ શકી છે. વરસાદ શરૂ થઇ જાય તો શિયાળુ પાક વેચવામાં મુશ્કેલી પડે તે સ્વભાવિક છે. સરકારે રસીકરણને ઝડપી બનાવવું જરૂરી છે. ખેડૂતોની મુશ્કેલી નિવારવા ત્વરીત પગલા જરૂરી છે.

(11:49 am IST)