Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

૧૬મીએ વાવાઝોડુ બનશે : દરિયામાંથી પસાર થશે તો પણ સૌરાષ્ટ્ર - કચ્છને અસરકર્તા તો કરશે જ

હાલમાં દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર ઉપર એક સાયકલોનીક સરકયુલેશન છે જે ૨૪ કલાકમાં લો-પ્રેશર ઉદ્દભવશે, જે વધુ મજબૂત બની વાવાઝોડામાં પરિવર્તિત થશે

રાજકોટ, તા. ૧૩ : કોરોનાની મહામારી વચ્ચે વધુ એક આફત ઉદ્દભવી રહી છે. અરબી સમુદ્રમાં એક સિસ્ટમ્સ બની રહી છે. જે આગામી દિવસોમાં વાવાઝોડાનું રૂપ ધારણ કરશે. આ વાવાઝોડાનું નામ 'ટૌકતાયે' રાખવામાં આવ્યુ છે. ૧૬મીએ આ વાવાઝોડુ ઉદ્દભવશે. સૌરાષ્ટ્રના દરિયામાંથી આ વાવાઝોડુ પસાર થશે તો પણ સૌરાષ્ટ્ર - કચ્છને અસરકર્તા તો રહેશે જ. આ સિસ્ટમ્સની અસરથી આવતીકાલથી ત્રણ - ચાર દિવસ આંશિક વાદળછાયા વાતાવરણ વચ્ચે દરરોજ બે - ચાર સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડશે. તા.૧૭-૧૮-૧૯ સૌરાષ્ટ્ર - કચ્છમાં વરસાદની શકયતા વધુ ઉદ્દભવી રહી હોવાનું હવામાન ખાતાએ જણાવ્યુ છે.

હવામાન ખાતાના સૂત્રોએ જણાવ્યુ છે કે, હાલમાં દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર ઉપર એક સાયકલોનીક સરકયુલેશન છે જે આવતા ૨૪ કલાકમાં લો પ્રેશરમાં પરિવર્તિત થશે. ૧૫મીએ ડિપ્રેશન બનશે જે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે. આ સિસ્ટમ્સ વધુ મજબૂત બની ૧૬મીએ સાયકલોનીક સરકયુલેશન બનશે. હાલ આ સિસ્ટમ્સ ઉત્તર ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે.

આ સિસ્ટમ્સ વધુ મજબૂત બની ૧૬મીએ વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી પૂરી શકયતા છે. જો આ સિસ્ટમ્સ સૌરાષ્ટ્રના દરિયામાંથી પસાર થઈ ફંટાઈ જાય તો પણ સૌરાષ્ટ્ર - કચ્છને થોડી ઘણી અસરકર્તા તો રહેશે જ. હાલ હવામાન ખાતુ આ સિસ્ટમ્સ ઉપર ચાંપતી નજર રાખી રહ્યુ છે.

હવામાન ખાતુ કહે છે કે આ સિસ્ટમ્સની અસર આવતીકાલથી થવા લાગશે. કાલથી આંશિક વાદળછાયુ વાતાવરણ જોવા મળશે. કાલથી બે - ચાર દિવસ સુધી દરરોજ ૩ થી ૪ સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડશે તો તા.૧૭-૧૮-૧૯ વાવાઝોડાની અસરના સ્વરૂપે આ દિવસોમાં વરસાદની વધુ શકયતા હાલના અનુમાનો મુજબ જોવા મળી રહી છે.

(4:26 pm IST)