Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

સુરતના ઇચ્છાપોર નજીક મોબાઈલ શોપને નિશાન બનાવી તસ્કરોએ 25 મોબાઈલ સહીત 6.16 લાખની ચોરી કરતા પોલીસ ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી

સુરત: શહેરના ઇચ્છાપોર બસ સ્ટેન્ડ નં. 3 નજીક શ્રી રાધે મોબાઇલ શોપમાં ગત રાત્રે ત્રાટકેલા તસ્કરો શટરને વચ્ચેથી ઉંચુ કરી અંદર પ્રવેશી 25 નંગ મોબાઇલ ફોન કુલ કિંમત રૂ. 6.16 લાખની મત્તા ચોરીને ભાગી ગયા હતા.

સુરત-હજીરા રોડ મેઇન રોડ પર આવેલા ઇચ્છાપોર ગામના બસ સ્ટેન્ડ નં. 3 નજીક શ્રી રાધે મોબાઇલ શોપમાં ગત રાત્રે 2 વાગ્યાના અરસામાં તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરોએ મોબાઇલ શોપનું શટર વચ્ચેથી ઉંચુ કરી અંદર પ્રવેશી મેઇન ગેટનો કાચનો દરવાજો તોડી અંદર પ્રવેશ્યા હતા. તસ્કરોએ ડિસ્પ્લેમાં મુકેલા અને કાઉન્ટરમાંથી અલગ-અલગ કંપનીના 25 નંગ મોબાઇલ ફોન કિંમત રૂ. 6.16 લાખની મત્તાના ચોરીને ભાગી ગયા હતા.

ઘટના અંગે સવારે દુકાનદાર યતેન્દ્ર ઉર્ફે નિકું વિશ્વામિત્ર અગ્રવાલ (ઉ.વ. 32 રહે. કે 101, કિંગસ્ટોન એપાર્ટમેન્ટ, ગ્રીનસિટી સામે, ભાઠાગામ) એ કંટ્રોલ રૂમમાં જાણ કરતા ઇચ્છાપોર પોલીસ દોડી આવી હતી. પોલીસ ડોગ સ્કોર્ડ અને એફએસએલની મદદ લઇ તપાસ હાથ ધરવાની સાથે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં તસ્કરો રાત્રે 2.17 કલાકે ત્રાટકયા હતા અને માત્ર 3 મિનીટમાં ચોરીનો કસબ અજમાવી ભાગી ગયા હતા. પોલીસે ચોરી ઉપરાંત રૂ. 70 હજારના નુકશાન સંદર્ભે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

(5:19 pm IST)