Gujarati News

Gujarati News

News of Sunday, 13th June 2021

બદલાશે ગુજરાત.:દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલનું ગુજરાતીમાં ટ્વીટ: કાલે હું આવી રહ્યો છું ગુજરાત !!

સુરત-અમદાવાદમાં અનેક લોકો આપમાં જોડાઈ શકે તેવો માહોલ

અમદાવાદ : ભાજપનો ગઢ ગણાતા ગુજરાત માં અન્ય પક્ષો લોકોમાં વિકલ્પ બની રહ્યા હોય તેમ સુરત માં આમ આદમી પાર્ટી ને મળેલી સફળતા અને વિપક્ષ ની ભૂમિકા બાદ હવે ગુજરાત માં લોકો આપ તરફ નજર દોડાવી રહ્યા નું ચિત્ર સામે આવી રહ્યું છે ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે  ગુજરાતીમાં ટ્વીટ કરી લખ્યું છે કે હું આવતીકાલે ગુજરાત આવી રહ્યો છું, આ એક માત્ર ટ્વીટ થી રાજકીય ખળભળાટ મચ્યો છે અને સુરત-અમદાવાદમાં અનેક લોકો આપમાં જોડાઈ શકે તેવો માહોલ જોવા મળી રહ્યો છે.

કેજરીવાલ ની ગુજરાત મુલાકાત અગાઉ કાગવડના ખોડલધામ ખાતે લેઉવા અને કડવા પાટીદારના આગેવાનોની મળેલી બેઠક તેમજ ઇસુદાન ગઢવી નું ટીવી ચેનલ માંથી રાજીનામુ અને સોશ્યલ મીડિયા ઉપર કરેલા કમ્પેઇન વચ્ચે ગુજરાત નો માહોલ જાણે બદલાઈ રહ્યા નું જણાઈ રહ્યું છે
આ બધા ઘટનાક્રમ વચ્ચે 14મીની સવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત નો એક દિવસીય પ્રવાસે સૂચક મનાઈ રહ્યો છે. આપ ના સુપ્રીમો અને દિલ્હી ના મુખ્યમંત્રી કેજરીવાલ તા.14 મી એ સવારે 10.30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવશે ત્યાંથી સીધા તેઓ શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે જશે. જ્યાં કેટલાક નેતાઓ અને આમ આદમી પાર્ટીમાં જોડાનારા કાર્યકરો સાથે બેઠક કરી શકે છે. 11.30 વાગ્યે વલ્લભ સદન ખાતે પત્રકાર પરિષદ કરવામાં આવશે. જ્યાં આમ આદમી પાર્ટીમાં ઈસુદાન ગઢવી અને અન્ય લોકો પણ આમ આદમી પાર્ટીમાં જોડાય એવી શક્યતા છે. બપોરે નવરંગપુરા ખાતે આમ આદમી પાર્ટીના નવા પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે.

અરવિંદ કેજરીવાલની આ મુલાકાત ગુજરાત વિધાનસભા માટે આપની તૈયારીનો સંકેત છે. ગુજરાત માં આપનું સંગઠન વધુ મજબૂત બનાવવા માટે વધુ લોકોને જોડવામાં આવશે. કેજરીવાલ બપોર પછી સુરત પણ જશે. જયાં આપના કોર્પોરેટરો ઉપરાંત સ્થાનિક નેતા-કાર્યકરો સાથે બેઠક યોજશે અને આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને માર્ગદર્શન પણ આપશે. કેજરીવાલની આ ગુજરાતની મુલાકાત ગુજરાત ના રાજકારણ માં બદલાવ લાવવા નિમિત્ત બની શકે છે કારણ જે લોકો ના મન ક્યારેય કોઈ કળી શકતું નથી તે વાત દરેક પાર્ટી એ યાદ રાખવી જરૂરી છે તેમ લોકો માં ચર્ચાઓ ચાલી રહી છે.

(7:25 pm IST)