Gujarati News

Gujarati News

News of Sunday, 13th June 2021

ખેડૂતોને ડ્રીપ ઈરીગેશનનો લાભ ન મળતા પાણીનો બગાડ થાય છે

ખેડૂતો ડ્રીપ ઈરીગેશન સીસ્ટમનો લાભથી વંચિત : આ વર્ષે ખેડૂતોને એપ્રિલથી જુન મહિના સુધીની સીજન દરમ્યાન પુરતા પ્રમાણમાં લાભ મળેલ નથી : અર્જુન મોઢવાડિયા

અમદાવાદ, તા. ૧૩ : અર્જુન મોઢવાડિયાએ જણાવ્યુ હતુ કે ગુજરાત સરકાર દ્વારા ખેડુતોને ખેતી માટે રાહત દરે ડ્રીપ ઈરીગેશન સીસ્ટમ મળી રહે અને પાણીનો વપરાશ ઓછો થાય તે માટે ગુજરાત ગ્રીન રીવોલ્યુસન કંપનીની સ્થાપના કરેલ છે. પરંતુ ગુજરાતની ભાજપ સરકારની ખેડૂત વિરોધી માનસિક્તા, અણઘડ નિતીઓ અને જીજીઆરસીમાં એમડી અને ચેરમેન સહિતના હોદ્દેદારોની કાયમી નિમણૂંક કરવાની ઉદાશીનતાન કારણે ખેડૂતોને પુરતા પ્રમાણમાં ડ્રીપ ઈરીગેશન સીસ્ટમનો લાભ મળી રહ્યો નથી. જેના કારણે મોટા પાયે પાણીનો બગાડ થઈ રહ્યો છે.

          પરિણામ એ છે કે આ વર્ષે ખેડૂતોને એપ્રિલથી જુન માસ સુધીની સીજન દરમ્યાન પુરતા પ્રમાણમાં લાભ મળેલ નથી. આ અંગેની વિગતો રજુ કરતા અર્જુન મોઢવાડિયાએ ઉમેર્યુ હતુ કે, વર્ષ ૨૦૧૮-૧૯માં એપ્રિલથી જુન માસ દરમિયાન ૮,૪૬૫ ખેડૂતોની ૧૪,૪૨૦ હેક્ટર જમીનમાં લાભ મળ્યો હતો. વર્ષ ૨૦૧૯-૨૦માં એપ્રિલથી જુન માસ દરમિયાન ૧૫,૧૯૧ ખેડૂતોની ૨૫,૦૯૬ હેક્ટર જમીનમાં લાભ મળ્યો હતો. વર્ષ ૨૦૨૦-૨૧માં એપ્રિલથી જુન માસ દરમિયાન ૬,૬૭૬ ખેડૂતોની ૧૦,૧૫૭ હેક્ટર જમીનમાં લાભ મળ્યો હતો. જ્યારે ચાલુ વર્ષ વર્ષ ૨૦૨૧-૨૨માં એપ્રિલથી અત્યાર સુધી માત્ર ૩,૯૨૮ ખેડૂતોની ૫,૩૮૮ હેક્ટર જમીનમાં લાભ મળ્યો છે. અર્જુન મોઢવાડિયાએ જણાવ્યુ હતુ કે ગુજરાતમાં કુલ ૫૩.૧૯ લાખ ખેડૂતો છે. જ્યારે ગુજરાતની કુલ ૧૯૬ લાખ હેક્ટર જમીન પૈકી અંદાજે ૧૦૦ લાખ હેક્ટર જમીન ઉપર ખેતી થાય છે. જેની સામે માત્ર ૩,૯૨૮ ખેડૂતોની ૫,૩૮૮ હેક્ટર જમીનને ડ્રીપ ઈરીગેશન સીસ્ટમનો લાભ મળે તે દુઃખદ કહેવાય. રાજ્ય સરકારે જાગવાની જરૂર છે અને વધુમાં વધુ ખેડુતોને આ ડ્રીપ ઈરીગેશન સીસ્ટમનો લાભ મળે તેવા પ્રયત્નો કરવા જોઈએ. જેથી પાણીનો બગાડ અટકવી શકીએ અને વધુમાં વધુ ઉત્પાદન મેળવી શકીએ.

(9:54 pm IST)