Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

પ્રવર્તમાન કોવિડની પરિસ્થિતને ધ્યાને લઇ કોવિડ ગાઇડલાઇન અને કોવિડ અનુરૂપ વ્યવહારનું ચુસ્તપણે પાલન જરૂરી. ટેસ્ટીંગ ટેસ્ટીંગ અને ટ્રેસીંગ (3T) પર ધ્યાનકેન્દ્રીત કરવું : હર ધર દસ્તક 2.0. અંતર્ગત કોરોના રસીકરણની મહાઝુંબેશ શરૂ કરવી : વર્ષ 2025 સુધીમાં સમગ્ર દેશમાંથી ટી.બી. નાબૂદ કરવાના પરિણાસ્વરૂપ તાલુકા સ્તરે જનપ્રતિનિધીઓ, સ્વૈચ્છિક અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા ટી.બી.ગ્રસ્ત દર્દીઓને દત્તક લઇ નિયમિત સારવાર ઉપલ્બધ કરાવવા મંત્રી શ્રી એ અનુરોધ કર્યો : મોતીયાના ઓપરેશનની પેન્ડેન્સી ઘટાડવા ખાસ ઝુંબેશનું આયોજન હાથ ધરાશે : મનસુખભાઇ માંડવિયા

કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખભાઇ માંડવિયાએ દેશના તમામ રાજ્યોના આરોગ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા આરોગ્યલક્ષી ચર્ચા હાથ ધરી : ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને આરોગ્ય રાજ્ય મંત્રી નિમીષાબેન સુથાર ગાંધીનગર ખાતેથી કોન્ફરન્સમાં જોડાયા : કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ, હર ધર દસ્તક 2.0. ની અસરકારક અમલવારી, ટી.બી. નિર્મૂલન કાર્યક્રમ અને મોતીયા નિવારણ ઝુંબેશ સંલગ્ન વિગતવાર ચર્ચા કરીને રોડમેપ તૈયાર કરવામાં આવ્યો

રાજકોટ તા.૧૩ :  કેન્દ્રીય આરોગ્ય મંત્રી  મનસુખભાઇ માંડવીયાના અધ્યક્ષસ્થાને આરોગ્યવિષયક વિવિધ મુદ્દે વીડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતુ. 

ગુજરાત આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે સમગ્ર વિગતો આપતા જણાવ્યું કે, મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલ વીડિયો કોન્ફરન્સમાં દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્યમંત્રી અને આરોગ્ય સચિવશ્રી જોડાયા હતા. 

આ વીડિયો કોન્ફરન્સમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ, 1 જૂનથી સમગ્ર દેશમાં શરૂ થયેલ કોરોના વેક્સિનેસન માટેના હર ધર દસ્તક 2.0. કાર્યક્રમની અસરકારક અમલવારી, ટી.બી. નિર્મૂલન કાર્યક્રમ અને મોતીયાનિવારણ કાર્યક્રમ સંલગ્ન વિગતવાર ચર્ચા કરીને રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો. 

મંત્રી શ્રી ઋષિકેશ પટેલે વધુમાં કહ્યું કે, સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે દેશમાં તેની ચિંતા કરીને સંતર્કતા રાખવામાં આવે તે મુદ્દે વીડિયો કોન્ફરન્સમાં ચર્ચા થઇ હતી. જેના સંદર્ભ ટેસ્ટીંગ, ટ્રેસીંગ ,ટ્રીટમેન્ટ સાથે કોરોના રસીકરણને અસરકાર બનાવવા અને નાગરિકો કોવિડ અનુરૂપ વ્યવહારનું ચુસ્તપણે પાલન કરે તે સુનિશ્ચિત કરવા અનુરોધ કરવામાં આવ્યુ હતુ. 

કેન્દ્રીય આરોગ્યમંત્રી શ્રી મનસુખભાઇ માડંવિયા દ્વારા તમામ રાજ્યોને જીનોમ સિકવન્સીંગ પર પણ ધ્યાનકેન્દ્રીત કરવામાં કહેવામાં આવ્યું હતુ.

વર્ષ 2025 સુધીમાં સમગ્ર દેશમાંથી ટી.બી.ને જળમૂળથી નાબૂદી માટે નિર્ધાર કરવામાં આવ્યો છે ત્યારે આ મુહિમને જનભાગીદારીથી સફળ બનાવવા શ્રી મનસુખભાઇએ અપીલ કરીને તાલુકા સ્તર સુધી તમામ જનપ્રતિનિધી, સ્વૈચ્છિક અને સેવાભાવી સંસ્થાઓને ટી.બી.ગ્રસ્ત દર્દીઓને દત્તક લઇને તેમને સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતી સારવાર તેમજ પોષણક્ષમ આહાર મળી રહે તે સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો હતો. 

જેના સંદર્ભમાં તેમણે વધુમાં જણાવ્યું કે, દર વર્ષે દેશમાં 25 લાખ જેટલા ટી.બી.ના દર્દીઓ ઉમેરાય છે. જેમને દત્તક લઇને સમાજમાંથી સ્ટીગમાં દૂર કરવું પડશે. સરકાર દ્વારા ટી.બી. નિર્મૂલન કાર્યક્રમ દ્વારા સંપૂર્ણપણે નિ:શુલ્ક સારવાર અને દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. વધુમાં ટી.બી.ગ્રસ્ત દર્દીઓના ખાતામાં ડી.બી.ટી. મારફતે 500 રૂપિયા જમાં કરાવવામાં આવે છે તેમ તેમણે ઉમેર્યુ હતુ. 

મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયાએ મોતીયાના સંદર્ભમાં જણાવ્યું કે, કોરોનાકાળના કારણે દેશમાં અંદાજીત 1 કરોડ મોતીયાની સર્જરીનું ભારણ પેન્ડેન્સી વધી છે. જેને દૂર કરવા માટે દરેક રાજ્યે મોતીયાનાબૂદી અભિયાન શરૂ કરીને વધુમા વધું સર્જરી કરવા મંત્રી શ્રીએ જણાવ્યું હતુ. 

આ વીડિયો કોન્ફરન્સમાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલ, આરોગ્ય કમિશ્નર શ્રીમતી શાહમિના હુસેન, આરોગ્ય વિભાગના એડિશનલ ડાયરેક્ટર સર્વ શ્રી નયન જાની, નિલમ પટેલ સહિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહભાગી બન્યા હતા. 

 

-અમિતસિંહ ચૌહાણ

(4:22 pm IST)