Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

‘આપ' બુધવારથી વિજ પ્રશ્ને રાજયભરમાં આંદોલન કરશે

૧૫મી જૂને આમ આદમી પાર્ટી કલેક્‍ટરને આવેદનપત્ર આપીને તમામ જિલ્લામાં મફત વીજળીની માંગ કરશેઃ ૧૫ જૂનથી ૨૪ જૂન સુધી સમગ્ર રાજ્‍યમાં શક્‍તિ આંદોલન અંતર્ગત ભવ્‍ય જનસંપર્ક અભિયાન હાથ ધરવામાં આવશેઃ આજે દેશમાં માત્ર દિલ્‍હી અને પંજાબ જ એવા રાજ્‍યો છે જ્‍યાં જનતાને મફત વીજળી આપવાનું કામ ચાલી રહ્યું છેઃ જો દિલ્‍હી સરકાર મફત વીજળી આપી શકતી હોય તો ગુજરાત સરકાર કેમ ન આપી શકે?: ગોપાલ ઈટાલિયાઃ ઇસુદાન ગઢવી-ઇન્‍દ્રનીલ રાજયગુરૂના પ્રહારો

રાજકોટ, તા. ૧૩ : આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે નેશનલ જોઈન્‍ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી અને નેશનલ જોઈન્‍ટ સેક્રેટરી ઈન્‍દ્રનીલ રાજ્‍યગુરુની ઉપસ્‍થિતિમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ એક મહત્‍વના મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, ગઈકાલે આમ આદમી પાર્ટીએ એક મજબૂત સંગઠનની જાહેરાત કરી અને હું સંગઠનમાં સ્‍થાન મેળવનાર ને અભિનંદન આપું છું અને આશા રાખું છું કે  ગુજરાતમાં સૌ પદાધિકારીઓના સહકારથી થી આમ આદમી પાર્ટી સરકાર બનાવશે. આગામી સમયમાં અમે બીજી સંગઠનની યાદી પણ બહાર પાડીશું. તમામ સક્ષમ લોકોને તેમની ક્ષમતા મુજબ કામ આપવામાં આવે, આ તરફ ધ્‍યાન આપવામાં આવી રહ્યું છે અને તેના આધારે તેમને આવનારી સંસ્‍થામાં સ્‍થાન આપવામાં આવશે.

ગુજરાતમાં આમ આદમી પાર્ટી સક્રિય થતાં ગુજરાતની જનતાને નવી આશા મળી છે. અરવિંદ કેજરીવાલની સરકારે દિલ્‍હીમાં વીજળી, પાણી, શિક્ષણ, આરોગ્‍ય જેવા તમામ મહત્‍વપૂર્ણ ક્ષેત્રોમાં શાનદાર કામ કર્યું છે. આજે દિલ્‍હી સરકાર સમગ્ર દેશના લોકોનું ધ્‍યાન પોતાની તરફ ખેંચવામાં સફળ રહી છે. છેલ્લા દિવસોમાં અમે શિક્ષણનો મુદ્દો ઉઠાવ્‍યો હતો. અમે શિક્ષણનો મુદ્દો ઘરે-ઘરે લઈ ગયા અને આ શિક્ષણ આંદોલનમાં હજારો-લાખો લોકો જોડાયા. આનાથી ગુજરાતની ભાજપ સરકાર પર દબાણ વધ્‍યું અને સરકારે ગુજરાતની સરકારી શાળાઓને સુધારવાનું કામ શરૂ કર્યું. આ ઉપરાંત ગુજરાતમાં શિક્ષણ પર રાષ્‍ટ્રીય વર્ગ પરિષદનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું.

આજે આખો દેશ જાણે છે કે અરવિંદ કેજરીવાલની સરકાર લાંબા સમયથી દિલ્‍હીના લોકોને ૨૦૦ યુનિટ સુધી મફત વીજળી આપી રહી છે અને પંજાબમાં ૩૦૦ યુનિટ સુધી મફત વીજળી આપવાની યોજના ટુંક સમયમાં અમલમાં આવશે. અરવિંદ કેજરીવાલે એક દાખલો બેસાડ્‍યો છે કે જો સરકાર ઈમાનદાર હોય અને સરકાર લોકો માટે કામ કરવા માટે પ્રતિબદ્ધ હોય તો સરકાર કોઈપણ મુશ્‍કેલ કામ કરી શકે છે. જો અરવિંદ કેજરીવાલની દિલ્‍હી અને પંજાબ ની સરકાર લોકોને મફત વીજળી આપી શકે છે તો ગુજરાતમાં ભ્રષ્ટ ભાજપ સરકાર મફત વીજળી કેમ નથી આપી શકતી? ગુજરાતમાં વીજળીના ભાવ ના નામે લોકો કેમ લૂંટાય છે? આ લુંટમાંથી પ્રજાને બચાવવા અમે આવનારા સમયમાં વીજળીના મુદ્દે આગળ વધવાના છીએ.

૧૫મી જૂનથી આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં વીજળી નું આંદોલન શરૂ કરવા જઈ રહી છે. ૧૫મી જૂને ગુજરાતની આમ આદમી પાર્ટી દરેક જિલ્લામાં પત્રકાર પરિષદ યોજી મોટી માત્રામાં કલેક્‍ટર કચેરીમાં જઈને કલેક્‍ટરને આવેદન આપશે અને ગુજરાતની જનતાને પણ મફત વીજળી મળે તેવી માંગ કરશે. આમ આદમી પાર્ટી હવે, જનતાને લૂંટવા માટે ભાજપના લોકોએ વીજ કંપનીઓ સાથે મળીને બનાવેલા પ્‍લાનને રોકવાનું કામ કરશે. ૧૬મી જૂનથી ૨૪મી જૂન સુધી સમગ્ર ગુજરાતમાં વીજળીના મુદ્દે ભવ્‍ય લોકસંપર્ક કાર્યક્રમ યોજાશે. તમામ જિલ્લાઓ અને મહાનગરોમાં આમ આદમી પાર્ટીના તમામ રાજ્‍ય અને જિલ્લા અધિકારીઓના નેતળત્‍વમાં રેલી, પદયાત્રા, મશાલ યાત્રા જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે અને આ કાર્યક્રમો દ્વારા વીજળીના મુદ્દાને લોકો સુધી પહોંચાડવામાં આવશે. આમ આદમી પાર્ટી ગુજરાતના ૧-૧ નાગરિકો નો અભિપ્રાય જાણશે અને આ માટે ૅમાંગણી પત્રકૅ ભરવામાં આવશે. આ ‘માંગણી પત્રક' દ્વારા ગુજરાતના હજારો કાર્યકર્તાઓ દ્વારા લોકોના અભિપ્રાય લેવામાં આવશે. મોંઘી વીજળી વિશે તેઓ શું જાણે છે અને શું ઇચ્‍છે છે તે લોકો પાસેથી જાણવામાં આવશે.

આમ આદમી પાર્ટી હંમેશા લોકોના જીવન સાથે જોડાયેલા મુદ્દાઓ પર કામ કરતી રહી છે. કારણ કે અરવિંદ કેજરીવાલ જી હંમેશા કામ અને મુદ્દાની રાજનીતિમાં વિશ્વાસ રાખે છે. આથી આગામી સમયમાં અમે પુરી તાકાતથી વીજ આંદોલન ચલાવીશું. અમે ભાજપને કહેવા માંગીએ છીએ કે અમારા આંદોલનને દબાવવા માટે તમે અમારા નેતાઓ અને કાર્યકર્તાઓ પર ગમે તેટલો તાનાશાહી અત્‍યાચાર કરવા માંગો છો તે કરી શકો છો. આમ આદમી પાર્ટી સંપૂર્ણ માનસિક તૈયારી સાથે અને સંપૂર્ણ તાકાત સાથે લડાઈ લડવાનું મન બનાવી મેદાનમાં ઉતરશે.

હું ગુજરાતની જનતાને અપીલ કરવા માંગુ છું કે તમે બધા અમારા આંદોલનમાં જોડાઓ અને ગુજરાતની જનતાને ભાજપ સરકાર અને વીજ કંપનીઓની મિલીભગતથી મોંઘી વીજળી થી મુક્‍ત કરો. અમે જનતાને મફત વીજળીનો અધિકાર આપવા માંગીએ છીએ અને આપીને રહીશું.

(4:22 pm IST)