Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

ભાજપના ગઢ ગણાતા પોરાણા ગામના સરપંચ, ઠાકોર સેનાના કાર્યકરો સહિત 500થી વધુ ગ્રામજનોએ ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં જોડાતા રાધનપુર બેઠકમાં રાજકીય ગરમાવો

આ બેઠક આગામી ચૂંટણીમાં ભાજપ જાળવી રાખશે કે ખોઇ બેસશે ? ભારે ચર્ચા

રાધનપુરઃ વિધાનસભા વિસ્તાર આમ તો છેલ્લા ઘણા વર્ષોથી ભાજપનું ગઢ ગણાતું પરંતુ ગત ટર્મ ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાં ઉમેદવારી નોંધાવી અને ભાજપની ગઢ ગણાતી રાધનપુર વિધાનસભા કોંગ્રેસને ફાળે ગઈ ત્યાર બાદ અલ્પેશ ઠાકોર પક્ષ પલટો કરી ભાજપમાં જોડાઈ જઈ અને રાધનપુર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ફરી રાધનપુરની જનતાએ ભાજપને જાકારો આપ્યો હતો. ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરની હાર થઇ અને કોંગ્રેસ ઉમેદવાર રઘુ દેસાઈને વિજય બનાવ્યા હતા. ત્યારે આગામી 2022 ની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. તેવામાં ફરી ભાજપના ગઢ ગણાતા પોરાણા ગામમાં ગાબડું પડ્યું છે. ગામના સરપંચ, ઠાકોર સેનાના કાર્યકરો સહિત 500 થી વધુ ગ્રામજનો ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાતા રાધનપુર વિધાનસભામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.

વિધાનસભા 2022 સામે આવી રહી છે ત્યારે હવે પક્ષ પલટાનો દોર શરુ થવા પામ્યો છે. ક્યાંક વિકાસના કામો ન થતા તો ક્યાંક પક્ષની અવગણનાને લઇ પક્ષ પલટો થઇ રહ્યો છે. ત્યારે આજે રાધનપુર વિધાનસભા મત વિસ્તારમાં પક્ષ પરિવર્તનને લઇ રાજકીય ગરમાવો આવી જવા પામ્યો રાધનપુરમાં ભાજપના ગઢમાં ગાબડું પડ્યું છે.

રાધનપુર કોંગ્રેસના ધારાસભ્ય રઘુ દેસાઈની હાજરીમાં 500 થી વધુ ગ્રામજનોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. પોરાણા ગામના સરપંચ સહિત ગામના આગેવાનો ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાતા ભાજપના ગઢમાં ગાબડું પાડવા પડ્યું છે. છેલ્લા 40 વર્ષથી ગામમાં પીવાના પાણીની સમસ્યા હોઈ જે અંગે ભાજપના અગેવાનોને અનેક રજુઆત કરી હોવા છતાં કોઈ હલ ન આવતા છેવટે ન છૂટકે અગેવાનોએ ભાજપથી છેડો ફાડીને આજે કોગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. તો સાથે ઠાકોર સેનાના કાર્યકરો પણ કોંગ્રેસમાં જોડાયા છે.

(5:33 pm IST)