Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

સાંજના સુમારે ગાંધીનગરમાં બાઈક પર જઈ રહેલ દંપતીને કારે હડફેટે લેતા ગંભીર ઇજાથી મોત

ગાંધીનગર ઃ  ગાંધીનગર શહેરના રાજમાર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગઈકાલે સાંજના સમયે શહેરના પ્રકૃતિ ઉદ્યાન સામે બાઇક ઉપર જઇ રહેલા દંપતીને કાર ચાલકે પાછળથી અડફેટે લેતા જમીન ઉપર પટકાયા હતા અને શરીરે ગંભીર ઇજાઓને કારણે તેમનું સ્થળ પર મોત નીપજ્યું હતું. જ્યારે બાઈકચાલક આધેડને પણ ઈજાઓ પહોંચી હતી. આ મામલે સેકટર-૭ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૃ કરી છે

આ અંગે મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેરના ઈન્દ્રોડા ગામમાં રહેતા ભીખાજી ફતાજી મકવાણા એન આઈ સી એમ કોલેજમાં સેવક તરીકે ફરજ બજાવે છે. ગઇકાલે સાંજના સુમારે તે તેમના બાઈક ઉપર કૌટુંબિક ભાઇ રાજુજી અમાજી મકવાણા અને તેમની પત્ની સવિતાબેન સાથે  ચ-૦ સર્કલથી ઇન્દ્રોડા ગામ તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન પ્રકૃતિ ઉદ્યાન સામે પૂર ઝડપે જઈ રહેલા કારચાલકે પાછળથી તેમના બાઈકને ટક્કર મારી હતી. જેના કારણે ભીખાજી, રાજુજી તેમજ સવિતાબેન જમીન ઉપર પટકાયા હતા. જેના કારણે તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતા સ્થળ પર પહોંચી હતી. જ્યાં રાજુજી અને સવિતાબેનને મૃત જાહેર કર્યા હતા. બીજી બાજુ ગંભીર રીતે ઘવાયેલા ભીખાજીને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની આ ઘટના અંગે સેકટર-૭ પોલીસે કાર ચાલક સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(6:09 pm IST)