Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

વસો તાલુકાના પીજ રામોલ રોડ નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બે શખ્સોએ ઘટનાસ્થળેજ દમ તોડ્યા હોવાની માહિતી

નડિયાદ : વસો તાલુકાના પીજ રામોલ રોડ પર ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં અરેરા ના બે વ્યક્તિઓના મૃત્યુ નીપજયા હતા. આ બનાવ સંદર્ભે વસો પોલીસે ટેમ્પી ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે નડિયાદ તાલુકાના અરેરા ગામમાં નયનકુમાર સંજયભાઈ વાળંદ રહે છે. તેઓના પિતા સંજયભાઈ વાળંદનું દસ વર્ષ અગાઉ મૃત્યુ થતાં તેની માતાએ દિયર વટુ કરી કાકા ભરતભાઈ ભીખાભાઈ વાળંદ સાથે લગ્ન કરેલા છે. ભરતભાઈ ખેતીવાડી કરી જીવન ગુજારે છે. ભરતભાઇ તથા કુટુંબી જન રમેશભાઈ ઉર્ફે ઘનશ્યામભાઈ શાંતિભાઈ વાળંદ સંયુક્ત પરિવારમાં રહે છે. દરમિયાન ભરતભાઈ વાળંદ તથા રમેશભાઇ વાળંદ શનિવારે પોતાની બાઇક લઇને રાત્રીના નવ વાગે પીજ ગામની સીમ પીજ રામોલ રોડ પરથી પસાર થતા હતા. તે દરમિયાન એક ટેમ્પીના ચાલકે પોતાની ટેમ્પી બેફિકરાઈ અને પુરઝડપે ગફલતભરી રીતે હંકારી બાઈક સાથે ધડાકાભેર અથડાવી હતી. જેથી બાઈક સવાર ભરતભાઇ તથા રમેશભાઇ રોડ પર પટકાતા તેમને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં ભરત ભાઈનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે રમેશભાઈને ગંભીર ઇજાઓ થતા ૧૦૮ માં સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું હતું. અરેરાના એક જ પરિવારના બે સભ્યોના માર્ગ અકસ્માતમાં મૃત્યુ નિપજતા ગામમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી હતી. આ બનાવ સંદર્ભે વસો પોલીસે નયનકુમાર વાળંદ ફરિયાદના આધારે આવાસો પોલીસે એમપીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(6:10 pm IST)