Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

વડોદરા:પરપ્રાંતીઓને મકાન ભાડે આપવા બાબતે બે મકાન માલિકો વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા: સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ભાડુઆત અંગેની નોંધણી નહીં કરાવી પરપ્રાંતીય વ્યક્તિઓને મકાન ભાડે આપનાર બે મકાન માલિકોની વાઘોડિયા પોલીસે જાહેરનામા ભંગ બદલ અટકાયત કરવામાં આવી છે.

વડોદરા ગ્રામ્ય એસ.ઓ.જી શાખાના પોલીસ જવાનો પેટ્રોલિંગમાં હતા. તે સમયે વાઘોડિયા પોલીસ મથક હદ વિસ્તારના માડોધર રોડ ઉપર આવેલ શ્રી સિદ્ધ કુટીર સોસાયટીના મકાન નંબર ૫૩ ખાતે તપાસ કરતા વિપુલભાઈ ઠાકોર ( રહે -  સદર / મૂળ રહે - આણંદ ) હોવાનું બહાર આવ્યું હતું. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં મકાન માલિક ભરતભાઈ પટેલિયા ( રહે -  વાઘોડિયા ) એ 4500ના માસિક ભાડા પેટે મકાન ભાડે આપ્યું હોવાનું જાણવા મળ્યું હતું. તેવી જ રીતે આ જ સોસાયટીના મકાન નંબર 51 માં તપાસ કરતા રાજેશપ્રસાદ સિંહ  ( રહે - સદર / મૂળ રહે - બિહાર ) ભાડે રહેતો હોવાની વિગતો સપાટી પર આવી હતી. અને મકાન માલિક શ્રીનિવાસ મિરિયાલા ( રહે - વાલ્મીકિ સોસાયટી,  વૃંદાવન ચાર રસ્તા,  વાઘોડિયા રોડ ) પાસેથી ૦૪ હજારના માસિક ભાડે મકાન મેળવ્યું હતું. આ બને બનાવમાં સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ભાડુઆત અંગેની નોંધણી કરવામાં આવી ન હતી. જેથી વાઘોડિયા પોલીસે જાહેરનામાના ભંગ બદલ ભરતભાઈ અને શ્રીનિવાસની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં પણ આ પ્રકારની ઝુંબેશ હાથ ધરવામાં આવે તો મોટી સંખ્યામાં કિસ્સા પ્રકાશમાં આવશે.

(6:12 pm IST)