Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

વડોદરા નજીક પતી સાથે જતી પ્રેમિકા પર પ્રેમીએ કાર ચડાવી દેતા હત્યાના ગુનાહમાં પ્રેમીની ધરપકડ

વડોદરા: વડોદરા નજીક અક્ષર ટેનામેન્ટમાં પરિણીત પ્રેમિકાને વહેલી સવારે મળવા પહોંચી ગયેલા યુવાનને પ્રેમિકાનો પતિ તેમજ સંતાનો જોઇ જતા તેની રીસ રાખી યુવાને બુલેટ પર જતા પ્રેમિકા અને તેના પતિ સાથે કાર અથાડી બંનેની હત્યાનો પ્રયાસ કર્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે કપુરાઇગામ નજીક અક્ષર ટેનામેન્ટમાં રહેતો મહેશ ભીખાભાઇ પ્રજાપતિ જામનગર ખાતે રિલાયન્સ કંપનીમાં ફિલ્ડ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરે છે. તેના લગ્ન કિશનવાડી ઝંડાચોકમાં રહેતી આશા સાથે ૧૦ વર્ષ પહેલાં થયા હતાં. લગ્ન  બાદ પતિ અને પત્ની બંને બે સંતાનોના વાલી બન્યા છે. મહેશ ૧૫ દિવસનું વેકેશન લઇ વડોદરા ખાતે રહેવા માટે પરિવાર સાથે આવ્યો છે.

રાત્રે મહેશ ઘરના સભ્યો સાથે ધાબા પર ઊંઘી ગયો હતો અને વહેલી સવારે કૂતરા ભસવાનો અવાજ આવતા તે જાગી જતા પોતાના ઘરમાં તેની પત્ની તેમજ કિશનવાડી ઝંડાચોકમાં રહેતા ચેતન વિપુલ ચૌહાણ બંનેને સાથે જોયા  હતાં. મહેશે આવી રીતે સંમતિ વગર રાત્રે કોઇના ઘરમાં પ્રવેશ કરવો ગુનો છે જે કામ હોય તો પરિવાર સાથે આવજે તેમ કહી ચેતનને રવાનો કર્યો હતો.

ચેતન અને આશાના સંબંધો અંગે મહેશને વારંવાર પત્ની સાથે ઝગડો પણ થતો હતો. દરમિયાન આજે સવારે ૯ વાગે મહેશ તેની પત્ની આશા સાથે બુલેટ લઇને બહાર નીકળ્યા હતા ત્યારે રોડ પર સામેથી પૂરપાટઝડપે મરુન કલરની એક કારે આવીને બુલેટ સાથે અથાડતા મહેશ અને તેની પત્ની બંને રોડ પર પટકાતા લોકો ભેગા થઇ ગયા હતા અને કારના ચાલકને બહાર કાઢતા તે ચેતન ચૌહાણ હોવાનું જણાયું હતું. ઇજાગ્રસ્ત દંપતીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. બનાવ અંગે વરણામા પોલીસે ચેતન ચૌહાણ સામે હત્યાની કોશિષનો ગુનો દાખલ કરી ચેતનને ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે ચેતનના અગાઉ લગ્ન થયા હતા પરંતુ બાદમાં તેના છૂટાછેડા થઇ ગયા હતાં. તે ૧૨ વર્ષની પુત્રીનો પિતા પણ છે.

(6:12 pm IST)