Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

રાજ્યમાં ચોમાસાના પ્રારંભે એક જ દિવસમાં ત્રણ જિલ્લામાં વીજળી ત્રાટકી:ચાર લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો

ચોબારી ગામમાં વીજળી પડતા 2 યુવાનોના મોત : પાટણના હાંસાપુર રોડ ઉપર વીજળી પડતા ખેતરમાં કામ કરતા કિશોરનું મોત : ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામે વીજળી પડતા યુવકનું મોત

અમદાવાદ : રાજ્યના મોટાભાગના જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ચોમાસાના પ્રારંભે જ અનેક જિલ્લામાં આકાશી વીજળીએ કહેર મચાવ્યો છે. આજે એક જ દિવસમાં ત્રણ જિલ્લામાં વીજળી પડવાની ઘટનામાં ચાર લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

કચ્છ જિલ્લાના ભચાઉ પંથકમાં આજે મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. એક કલાક સુધી ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પાણી પાણી થયા હતા. વરસાદની સાથે ભચાઉના ચોબારી ગામમાં વીજલી પડતા બે યુવકોના મોત નિપજ્યા છે. ચોબારી ગામના આગેવાન પાંચા પરબત આહિરે જણાવ્યું હતું કે આશરે 3.15 વાગ્યાની આસપાસ વીજળીનો જોરદાર કડાકો થયો હતો. જે નજીકના મનફરા તરફના સીમ વિસ્તારમાં પડી હતી. અહીં બન્ની વિસ્તારમાંથી ગાયો અને ઘેટાં બકરા ચરાવવા આવેલા હાલેપોતરા જ્ઞાતિના બે યુવાનો પર વીજળી પડી હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી ગયા હતા અને તેમના મૃતદેહને ભચાઉ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા છે.
પાટણમાં પ્રથમ વરસાદમાં જ વીજળી પડવાની ઘટના સામે આવી છે. પાટણ શહેરના હાંસાપુર રોડ ઉપર વીજળી પડતા ખેતરમાં કામ કરી રહેલા 17 વર્ષીય કિશોરનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. પાટણ શહેરમાં આજે ધોધમાર વરસાદની વચ્ચે શહેર નજીક ખેતરમાં કામ કરી રહેલા વિનુસિંહ ઝાલા અને તેમના પુત્ર અમરસંગ પર વીજળી ત્રાટકતા પિતા-પુત્ર બેભાન થયા હતા. બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા પુત્રને મૃત જાહેર કરવામાં આવતા પરિવાર પર આભ ફાટ્યું હતું.

ચોમાસાની સીઝન શરૂ થવાની સાથે વીજળી પડવાની ઘટનાઓ વધી છે. વરસાદી સીઝનમાં વીજળી પડવાથી અનેક નિર્દોષ લોકો અકાળે મોતને ભેટે છે. ત્યારે જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામે વીજળી પડતા એકનું મોત નિપજ્યું છે તેમજ બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બન્યા છે. આ ઘટનામાં ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામના ભીખાભાઇ લાલાભાઇ ભરવાડનું વીજળી પડવાથી ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

(9:18 pm IST)