Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

સુરતમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’અંતર્ગત ‘વીરાંજલિ’ કાર્યક્રમ યોજાશે

ક્રાંતિકારી ભગતસિંહ, સુખદેવ તેમજ રાજગુરુના જીવનની ઝાંખી બતાવવામાં આવશે

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આઝાદીનો રક્ત નિતરતો હૃદયસ્પર્શી ઈતિહાસ રજુ કરતો ગુજરાતનો સૌ પ્રથમ મેગા મ્યુઝિકલ ડ્રામા વીરાંજલિ કાર્યક્રમ સુરતમાં રજૂ થવાનો છે.

મળતી માહિતી પ્રમાણે આ માત્ર ડ્રામા નહીં, પરંતુ પ્રેક્ષકો માટે એક અનુભૂતિ બની રહેશે. ઉપસ્થિત પ્રત્યેક શ્રોતાને હૃદયથી ભીંજવે અને આજના યુવાનને દેશભક્તિની દિશા ચીંધે તેવો કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. આપણી દેશભક્તિ ક્યાંકને ક્યાંક સીઝનલ થઈ રહી છે. વતન માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર વીરોનાં બલિદાનને ગુજરાતના ઘરઘરમાં ગુંજતા કરવાના આશયથી આ વીરાંજલિ મલ્ટી મીડિયા શોનું આયોજન કરવામાં આવ્યું છે.

યુવાનોને ગમે અને ગળે ઉતરે એવી શૈલીમાં અત્યાધુનિક સ્ટેજ અને સ્ક્રીન પ્લે પ્રદીપસિંહ વાઘેલા પ્રેરિત આ વીરાંજલિ કાર્યક્રમ ગુજરાતના વિવિધ શહેરોમાં રજૂ કરાશે. દેશ માટે ફાંસીના માંચડે ચઢનારા ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુના જીવન અને કવનને ખૂબ જ સચોટ અને રસાળ શૈલીમાં આ કાર્યક્રમને સાંઇરામ દવેએ લખ્યું છે.

વીરાંજલિ કાર્યક્રમમાં નાટક સ્વરૂપે દેશભક્તિ અને અવનવા દેશભક્તિના ગીતો સાથે મલ્ટી મીડિયા શો રજૂ કરવામાં આવશે. ક્રાંતિકારી ભગતસિંહ, સુખદેવ તેમજ રાજગુરુના જીવનની ઝાંખી બતાવવામાં આવશે. આ કાર્યક્રમ માટે તદ્દન નવા દેશભક્તિ ગીતોની રચના કરવામાં આવી છે. જેને કિર્તીદાન ગઢવી, દિવ્યા કુમાર, ઓસમાણ મીર, ગીતા રબારી તથા ભૌમિક શાહે સ્વર આપ્યો છે.

હાસ્ય કલાકાર સાંઈરામ દવેએ વીરાંજલિ કાર્યક્રમની સમગ્ર સ્ક્રીપ્ટ લખી છે તથા તેઓ સૌ પ્રથમવાર આ ડ્રામામાં અભિનય કરી રહ્યા છે. સાંઈરામ દવે દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે રંગભૂમીનો આ અનોખો અને નવો કાર્યક્રમ હશે. પ્રેક્ષકોના આંખમાં આંસુ લાવી દે એવો આ કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. દેશને આઝાદી તો મળી ગઈ છે પણ તેના પછી આપણું દેશ માટે શું યોગદાન હશે તે આ કાર્યક્રમ થકી લોકો સમક્ષ લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે.

‘વીરાંજલિ’ રાષ્ટ્રભાવનાને ઉજાગર કરવાના ઉમદા હેતુથી યુવાનો માટે સવિશેષ રૂપે તૈયાર કરેલ ડ્રામા છે. આ કાર્યક્રમ તદ્દન નિ:શુલ્ક છે. પરંતુ પ્રવેશ માટે કાર્ડ મેળવી લેવા જરૂરી રહેશે. નવી પેઢીમાં રાષ્ટ્રભક્તિના સંસ્કારો જાગૃત થાય એવા ઉદ્દેશથી બનાવવામાં આવ્યો છે. સાંઈરામ દવેએ ઉમેર્યું હતું કે વતન પ્રેમની વેક્સીનની જેમ આ કાર્યક્રમ સાબિત થશે.

(11:37 pm IST)