Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

નર્મદા : નિવાસી અધિક કલેક્ટરના અધ્યક્ષપદે રેલ્વે તંત્ર વાહકો સહિત અધિકારીઓ, અરજદારો સાથે બેઠક યોજાઇ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ નિવાસી અધિક કલેક્ટર એચ.કે.વ્યાસના અધ્યક્ષપદે તાજેતરમાં રાજપીપલા કલેક્ટર કચેરી ખાતે પ્રાંત અધિકારી પ્રિતેશ વસાવા, પશ્રિમ રેલવેના ડેપ્યુટી ચીફ ઇજનેર, ડિવિઝનલ ઇજનેર તેમજ તિલકવાડા અને ગરૂડેશ્વર તાલુકા અધિકારીઓ વગેરેની ઉપસ્થિતમાં નર્મદા જિલ્લાના રેલવે  વિભાગ સાથેના જમીન સંપાદન સંદર્ભે તેના વળતરની ચૂકવણી સહિતના અન્ય પ્રશ્નોના નિકાલ બાબતે સંબંધિત અરજદારોની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં ચર્ચા થયા મુજબ જુલાઈ-૨૦૨૨ સુધીમાં ઉક્ત વળતરની ચૂકવણી કરવામાં આવશે તેવી બાંહેધરી રેલવે વિભાગ તરફથી આપવામાં આવી હતી.
રાજપીપલા ખાતે યોજાયેલી ઉક્ત બેઠકમાં અરજદારોના રસ્તા સમતળ કરવા, માર્ગમાં આવતા વૃક્ષો, ઇલેક્ટ્રીક થાંભલા, ખેડૂતના બોર તથા અન્ય નડતરો દૂર કરી જે તે રસ્તા ઉપયોગ લાયક બનાવવા, ખેડ઼ૂતો પોતાના ખેતર સૂધી પહોંચે તે માટે ગરનાળા બનાવવાની કામગીરી માર્ચ-૨૦૨૨ થી ચાલુ કરવામાં આવેલ છે. પરંતુ ચોમાસાની સીઝનના લીધે રેલવેની સુરક્ષાને લક્ષમાં લઈ હાલમાં બંધ થયેલી આ કામગીરી ચોમાસાની ઋતુ પૂર્ણ થયેથી નવેમ્બર-૨૦૨૨માં આ કામગીરી પુન : શરૂ કરી આગામી ફેબ્રુઆરી-૨૦૨૩ સુધીમાં પૂ્ણ કરાશે. તેવી જાણકારી અપાઈ હતી.
પાણી ભરાઈ રહેવાની સમસ્યાને અનુલક્ષીને આગામી ઓક્ટોબરમાં બેલેન્સિંગ કલ્વર્ટ લગાવીને તેનું નિરાકરણ કરાશે. અંડર પાસમાં પાણી ભરાવાની સમસ્ચા તથા મેજરમેન્ટ ગેજ લગાવવાની રજૂઆત સંદર્ભે આગામી ૧૫ દિવસમાં મેજરમેન્ટ ગેજ લગાવવામાં આવશે. અને પાણી ભરાવવાની સમસ્યા સંદર્ભે આનુસંગિક કાર્યવાહી સત્વરે હાથ ધરવામાં આવશે, તેમ પણ આ બેઠકમાં નક્કી થયું હતું. રેલ્વે વિભાગને લગતા પડતર પ્રશ્નો બાબતે તાકીદે પરિણામલક્ષી કાર્યવાહી કરવા શ્રી વ્યાસ દ્વારા સંબંધિતોને સૂચના અપાઈ હતી

(10:43 pm IST)