Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

પેટ્રોલ-ડીઝલ ના ભાવો વધતા 'ગાડી વેચવાની છે' ના બેનરો લગાવી 'આપ'ના યુવા સંઘ દ્વારા વિરોધ પ્રદર્શન

સ્કૂલ ફી ભરવા ગાડી વેચવી છે સહિતના બેનરો દ્વારા મોંઘવારીનો વિરોધ કર્યો

સુરત :  કોરોના ની કપરી સ્થિતિ માં લોકો ને રાહત આપવાને બદલે સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવો આસમાને પહોંચાડી દેતા ગરીબ અને મધ્યમ વર્ગ ના લોકો ની કમ્મર તૂટી ગઈ છે અને ઘર ના બજેટ ખોરવાઈ ગયા છે તેમજ સ્કૂલ ની ફી ભરવાના પણ ફાંફાં છે તેવે સમયે આમ આદમી પાર્ટીના યુવા સંઘના કાર્યકર્તાઓ દ્વારા સુરત શહેરના જુદાજુદા વિસ્તારોમાં જઇ ને 'ગાડી વેચવાની છે' જેવા બેનરો લઇને વિરોધ નોંધાવ્યો હતો. અણુવ્રત દ્વાર, અડાજણ, ભાગળ ચાર રસ્તા વિસ્તારમાં આપના યુવા કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને ગયા છે તેવા સમયે ગાડીમાં પેટ્રોલ ભરાવા કરતા તેને વેચી દેવી વધુ સારી છે એવા પ્રતિકાત્મક રીતે આપે વિરોધ નોંધાવ્યો હતો.

પેટ્રોલ-ડિઝલના અસહ્ય ભાવ ના કારણે જ હાલ માં દરેક જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મોંઘી બનતા જનતા ની હાલત ખુબજ ખરાબ બની છે પેટ્રોલના ભાવ વધારાને કારણે ખુબજ દયનીય બની છે. ટ્રાન્સપોર્ટેશન પર ધરખમ વધારો થતાં હવે અન્ય ચીજ વસ્તુઓમાં પણ નોંધનીય રીતે વધારો દેખાઈ રહ્યો છે જેને કારણે મધ્યમ વર્ગનું જીવન અઘરું થઈ ગયું છે તેવે સમયે સરકાર ને જાગૃત કરવા આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું.
અત્રે નોંધનીય છે કે કોંગ્રેસ દ્વારા પણ દેશભરમાં પેટ્રોલ-ડીઝલ ના ભાવ વધારા નો વિરોધ થઈ રહ્યો છે.

(9:33 pm IST)