Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

કોંગ્રેસના આ દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ પત્ની સામે નોટિસ મોકલી, કહ્યું- તે મારા કહ્યામાં નથી

ભરતસિંહ સોલંકીએ જાહેર નોટિસમાં કહ્યું કે તેમની પત્ની સાથે ભરતસિંહના નામે નાણાકીય લેવડ દેવડ કરવી નહિ, જો કોઇ નાણાકીય લેવડ-દેવડ કરશે તો તેની જવાબદારી ભરતસિંહ સોલંકીની રહેશે નહિ

અમદાવાદ તા. ૧૩ : ગુજરાત કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી એ તેમના પત્ની વિરૂદ્ઘ જાહેર નોટિસ પાઠવી છે. તેમણે પત્ની સામે નોટિસ મોકલીને કહ્યું કે, તેમની પત્ની તેમના કહ્યામાં નથી અને મનસ્વી રીતે વર્તન કરે છે. તેથી તેમની પત્નીના નામે કોઈ નાણાંકીય વહીવટ કરવો નહિ.

કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીના પારિવારિક ડખા ચર્ચામાં આવ્યા છે. ભરતસિંહ સોલંકીએ એડવોકેટ કેપી તપોધન મારફતે પત્નીને લિગલ નોટીસ પાઠવી છે. તેમણે આ જાહેર નોટિસમાં કહ્યુ છે કે, તેમના પત્ની રેશ્મા પટેલ તેમના કહ્યામાં ન હોવાથી આ નોટિસ પાઠવી છે. રેશ્મા પટેલ ચાર વર્ષથી ભરતસિંહ સાથે રહેતા નથી અને મનસ્વી રીતે વર્તી રહ્યા છે. તેથી કોઈ પણ વ્યકિતએ રેશ્મા પટેલ સાથે ભરતસિંહના નામે નાણાકીય લેવડ દેવડ કરવી નહિ. જો કોઇ નાણાંકીય લેવડ દેવડ કરશે તો તેની જવાબદારી ભરતસિંહ સોલંકીની રહેશે નહિ. તેમજ ભરતસિંહના નામે કોઇ નાણાંકીય લેવડ દેવડ કર્યાનુ સામે આવશે, તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરાશે તેવો નોટિસમાં ઉલ્લેખ કરાયો છે.

ભરતસિંહ સોલંકીએ આ નોટિસમાં પોતાની પારિવારિક સંબંધોની વાત કરી છે. જાહેર નોટિસમાં તેમણે કહ્યું કે, અમારા સંબંધોમાં કુંટુંબીઓ દ્વારા મધ્યસ્થી કરાવવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ તેનુ કોઈ પરિણામ આવ્યુ નથી. તેથી અમે અલગ રહીએ છીએ. મેં મારી પત્નીને અલગ રહ્યા બાદ તમામ પ્રકારની સુવિધા આપી છે. પરંતુ હવે મને તેનાથી વ્યકિતગત નુકસાન થવાની ભીતિ છે. તેથી મેં આ નોટિસ મોકલી છે.

(11:31 am IST)