Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

દાહોદના સુક્રમે આઈઆઈટી ખડગપુરમાં એડમિશન મેળવ્યું

કડિયા કામ કરતા માતા-પિતાના પુત્રની સિધ્ધિ : નવસારી એગ્રિકલ્ચર યુનિ.થી બીટેકની ડિગ્રી મેળવી છે, IITમાંથી તે એગ્રિકલ્ચર બાયોટેક્નોલોજીમાં એમટેક કરશે

વડોદરા, તા.૧૩ : અમદાવાદની કંસ્ટ્રક્શન સાઈટમાં કડિયાકામ કરતાં માતાપિતાને એક-એક ઈંટ ઊંચકાવામાં મદદ કરનારા સુક્રમ બબેરિયાએ હંમેશા પોતાના અને પોતાના પરિવાર માટે ઉજ્જવળ ભવિષ્યનું સપનું જોયું હતું. દાહોદના ચંદવાણા ગામનો સુક્રમ બબેરિયા દિશામાં આગળ વધ્યો છે અને તેણે ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજી (આઈઆઈટી), ખડગપુરમાં એડમિશન મેળવ્યું છે.

૨૧ વર્ષીય સુક્રમે નવસારી એગ્રિકલ્ચર યુનિવર્સિટીમાંથી બીટેકની ડિગ્રી મેળવી છે. સુક્રમે ગેટ (ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ ઈન એન્જિનિયરિંગ- ગેટ)ની તૈયારીઓ શરૂ કરી હતી અને તેમાં પાસ થયા બાદ તેણે આઈઆઈટી-ખડગપુરમાં એડમિશન મેળવ્યું છે. અહીં તે એગ્રિકલ્ચર બાયોટેક્નોલોજીમાં એમટેક કરશે.

ગરીબ પરિવારોમાંથી આવતા ઘણાં બાળકોની જેમ સુક્રમે પણ આઠમા ધોરણ સુધી સરકારી શાળામાં અભ્યાસ કર્યો હતો અને બાદમાં તેના ગામમાં આવેલી ગ્રાન્ટેડ સ્કૂલમાં એડમિશન લીધું હતું. ધોરણ ૧૦ની પરીક્ષા ગામમાં આવેલી સ્કૂલમાંથી પાસ કર્યા બાદ સુક્રમે દાહોદ સ્થિત રાજ્ય સરકાર સંચાલિત આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ મેળવ્યો હતો. ૨૦૧૭માં ધોરણની ૧૨ની પરીક્ષા પાસ કર્યા પછી સુક્રમે સુરતની અસ્પી શકીલમ બાયોટેક્નોલોજી ઈન્સ્ટીટ્યૂટમાં એડમિશન લીધું હતું. કોલેજ નવસારી એગ્રિકલ્ચર યુનિવર્સિટી સંલગ્ન છે. સુક્રમે કહ્યું, મારા મોટાભાઈ અને કેટલાક મિત્રોએ મને સાયન્સમાં અભ્યાસ કરવા પ્રેર્યો હતો. સુક્રમનો મોટોભાઈ નિતેશ મેડિકલ લેબોરેટરિ ટેક્નોલોજીમાં ડિપ્લોમા કરી રહ્યો છે. ભાઈ ઉપરાંત સુક્રમની ત્રણ બહેનો પણ છે.

સુક્રમના માતાપિતા ગુજરાન ચલાવા અમદાવાદમાં કડિયાકામ કરી સખત પરિશ્રમ કરતાં હતા. જ્યારે હું ૧૨મા ધોરણમાં આવ્યો ત્યારે શક્ય હોય તેટલી માતાપિતાની મદદ કરતો હતો. મારા ગ્રેજ્યુએશનના અભ્યાસના પહેલા ત્રણ વર્ષ સુધી મેં કામ ચાલુ રાખ્યું જેથી હું પરિવારની આવક વધારવામાં ફાળો આપી શકું, તેમ સુક્રમે જણાવ્યું.

સુક્રમના કહેવા અનુસાર, કોલેજના ચોથા વર્ષમાં આવ્યો ત્યારે તેણે કડિયાકામ કરવાનું બંધ કરી દીધું જેથી તે ગેટની પરીક્ષાની તૈયારી પર સંપૂર્ણ ધ્યાન કેંદ્રિત કરી શકે. મેં પરીક્ષા માટે કોઈ કોચિંગ કે ક્લાસિસનો સહારો નહોતો લીધો. બધી તૈયારી મેં જાતે કરી હતી, તેમ સુક્રમે ઉમેર્યું.

આઈઆઈટી પૂરું કર્યા પછી કેમ્પસ પ્લેસમેન્ટ થકી નોકરી મળી જાય તેવી સુક્રમની ઈચ્છા છે. તેણે કહ્યું, હું પીએચડી કરીને રિસર્ચ કરવાની સંભાવના પર પણ વિચાર કરી રહ્યો છું.

(7:39 pm IST)