Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

ધો-૧૨ બોર્ડનું પરિણામ અઠવાડિયામાં જાહેર કરશે

ધો-૧૦ બોર્ડની પરીક્ષાની જેમ ધો-૧૨ બોર્ડનું પરિણામ અગાઉના વર્ષના પરિણામના આધારે તૈયાર કરવામાં આવ્યું

ગાંધીનગર : અઠવાડિયામાં ધોરણ ૧૨ બોર્ડનું પરિણામ જાહેર કરી દેવામાં આવશે. ધોરણ 10નું પરિણામ જાહેર થયા બાદ ધોરણ 12ના પરિણામની રાહ જોવાઈ રહી છે. ત્યારે આગામી અઠવાડિયે ધોરણ 12ના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવશે. સ્કુલ દ્વારા ઓનલાઈન પરિણામ જોઈ શકાશે અને વિદ્યાર્થીઓને પરિણામ આપવામાં આવશે.

ધોરણ 10ની જેમ જ ધોરણ 12માં પણ અગાઉના વર્ષના પરિણામની ગણતરી કરીને ધોરણ 12નું પરિણામ તૈયાર કરવામાં આવ્યું છે. 50 ટકા ગુણ ધોરણ 10ના, 25 ટકા ગુણ ધોરણ 11ના અને 25 ટકા ગુણ ધોરણ 12ની સામાયિક કસોટીના એ રીતે ધોરણ 12નું પરિણામ સ્કુલ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. સ્કુલ દ્વારા તૈયાર કરાયેલ પરિણામ બોર્ડની વેબસાઈટ પર પણ અપલોડ કરવામાં આવ્યું છે.

શિક્ષણ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર, અમદાવાદની 550 સ્કુલોએ ધોરણ 12નું પરિણામ તૈયાર કરીને બોર્ડની વેબસાઈટ પર મુક્યું છે. બોર્ડ દ્વારા હાલમાં તમામ ચકાસણી ચાલી રહી છે. બોર્ડ દ્વારા ધોરણ 12નું ફાઈનલ પરિણામ તૈયાર કરવામાં આવી રહ્યું છે. પરિણામ તૈયાર થયા બાદ આવતા અઠવાડિયામાં ધોરણ 12નું પરિણામ પણ સતાવાર રીતે જાહેર કરવામાં આવશે. ધોરણ 12માં સ્કુલ ઓનલાઈન પરિણામ જોઈ શકશે અને વિદ્યાર્થીઓને પ્રિન્ટ આપશે.

(8:21 pm IST)