Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

અધ્યાપકોની જગ્યા ભરવા માટે અધ્યાપક સહાયકની ભરતીમાં કોના ફાયદામાં માટે ફેરફાર ? કોંગ્રેસને શંકા

કોંગ્રેસે આ અંગે તપાસ કરવાની માંગ કરતો પત્ર મુખ્યમંત્રીને લખ્યો

અમદાવાદ : રાજયની યુનિવર્સિટીઓમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યા ભરવા માટે અધ્યાપક સહાયકની ભરતીમાં કરાયેલા ફેરફાર સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ( જીપીસીસી )ના મુખ્ય પ્રવકતા ડો. મનીષ દોશીએ શંકા વ્યક્ત કરી છે. અને આ કોના ફાયદા માટે ફેરફાર કરવામાં આવ્યો છે તે અંગે તપાસ કરવાની માંગ કરતો પત્ર ગુજરાતના મુખ્યમંત્રીને લખ્યો છે.

જીપીસીસીના મુખ્ય પ્રવકતા ડો. મનીષ દોશીએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, રાજયની યુનિવર્સિટીઓ સંલગ્ન બિન સરકારી અનુદાનિત વિનયન, વાણિજય, વિગ્યાન, કાયદા અને શિક્ષણ વિદ્યાશાખાની કોલેજોના લાંબા સમયથી અધ્યાપકોની ખાલી જગ્યાઓ અધ્યાપક સહાયક તરીકે ભરતી થતી હતી. જેમાં પ્રથમ પાંચ વર્ષની મુદત માટે ફીક્સ પગાર આપવામાં આવતો હતો. આ ભરતી પ્રક્રિયા અંગે 23-12-2019ના રોજ રાજય સરકારના શિક્ષણ વિભાગે ઠરાવ કર્યો છે. આ ભરતી પ્રક્રિયામાં અગાઉ અધ્યાપક સહાયકની ભરતી અને હવેની ભરતી પ્રક્રિયામાં વિસંગતતાઓ જણાય છે.

 

તેમણે વધુમાં રાજય સરકારે અગાઉની ભરતી પ્રક્રિયા માટેના પરિપત્રમાં ફેરફાર કરીને નવા પરિપત્ર આધારે ભરતી પ્રક્રિયા હાથ ધરવાનું નક્કી કર્યું છે તે તપાસનો વિષય હોવાનું જણાવીને કહ્યું છે કે, આ ફેરફાર કોના ફાયદા માટે કરવામાં આવ્યો છે તે પણ તપાસનો વિષય છે. અગાઉ અધ્યાપક સહાયક ભરતી પ્રક્રિયા માટે સંપૂર્ણ મેરીટના આધારે ભરતી પ્રક્રિયા હાથ ધરી હતી. તાજેતરમાં અધ્યાપક સહાયક તરીકે ભરતી થવાની છે તેમાં અધ્યાપક સહાયકની એક જગ્યા માટે છ ઉમેદવારોનું મેરીટ લીસ્ટ બનાવવામાં આવશે અને તેમાંથી સંચાલક કોઇ એકને પસંદ કરશે.

જયારે અગાઉની ભરતી પ્રક્રિયા મેરીટમાં જે પ્રથમ હોય તેને સંચાલક જોડે સરકારને નિમણૂંક પત્ર આપવાનો હતો. જે બદલીને સંચાલક એક જગ્યા માટે છમાંથી એકની પસંદગી કરશે. જે પસંદગી પ્રક્રિયામાં મેરીટમાં બાંધછોડ, વ્હાલા-દવલાં, લાગવગવાળા અને નાણાંકીય વ્યવહારની પુરેપુરી શક્યતા રહેલી છે. આ અંગે ગોઠવણના સમાચાર મળી રહ્યાં છે. જે ચિંતાનો વિષય છે. આ બાબતને ગંભીરતાથી લઇને અધ્યાપક સહાયકની ભરતી પ્રક્રિયામાં શિક્ષણના વિશાળ હિતને ધ્યાનમાં લઇને મેરીટને સંપૂર્ણ પ્રાધાન્યતા આપવા વિનંતી કરી છે.

(10:01 pm IST)