Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

Paytm KYC ના બહાને આંતર સ્ટેટ ગેંગ સાથે મળી કરોડોની છેતરપીંડી : અમદાવાદના બે શખ્શો ઝબ્બે

આરોપીઓ પાસેથી 58.20 લાખની રોકડ, બે દુકાનના દસ્તાવેજ, વર્ના કાર, બાઈક, ત્રણ લેપટોપ, બે મોબાઈલ ફોન, સિમ સલોડ બોક્સ, સિમકાર્ડ 37 અને ડોંગલ કબ્જે

અમદાવાદ: Paytm KYC ના બહાને આંતર સ્ટેટ ગેંગ સાથે મળી હજારો લોકો સાથે કરોડોની ઠગાઈ કરનાર બે અમદાવાદી યુવકોને સાયબર સેલની ટીમે રખિયાલથી ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી 58.20 લાખની રોકડ, બે દુકાનના દસ્તાવેજ, વર્ના કાર, બાઈક, ત્રણ લેપટોપ, બે મોબાઈલ ફોન, સિમ સલોડ બોક્સ, સિમકાર્ડ 37 અને ડોંગલ કબ્જે લીધા છે. આરોપીઓ આ સિવાય સસ્તા વિવો ફોન આપવાના નામે પણ 10 લોકો સાથે ઠગાઈ આચરી ચુક્યા છે.

પોલીસે માત્ર ધો.12 સુધી ભણેલા સોહિલખાન સોક્તખાન પઠાણ અને ધો,9 સુધી ભણેલા મોહસીનખાન માજીદખાન પઠાણની Paytm KYC અપડેટ કરાવવાના બહાને કરોડો રૂપિયાની ઠગાઈ કરવાના મામલે ધરપકડ કરી છે. આ ગુનાનો મુખ્ય સૂત્રધાર સોહિલખાન ઝારખંડ, બિહાર અને વેસ્ટ બંગાળના સાયબર ઠગો સાથે મોબાઈલથી સંપર્કમાં રહેતો હતો.

આર્યુવેદીક દવાના વેપારના બહાને આરોપી સોહિલે dialme24 પરથી ગુજરાત,મહારાષ્ટ્ર,હરિયાણા,મધ્યપ્રદેશ, ઝારખંડ, રાજસ્થાન,પજાબ અને દિલ્હીના લાખો ગ્રાહકોના ડેટા ઓનલાઈન ખરીદી લીધા હતા. આ ડેટા આધારે આરોપી રોજના હજારો લોકોને દેશના જુદા જુદા રાજ્યોમાં Paytm KYC અપડેટ કરવાના મેસેજ મોકલતો હતો. જે મેસેજમાં પેટીએમ Paytm KYCના નામે ફ્રોડ કરતા લોકોના નંબર લખતો હતો.

જે નંબર પર KYC અપડેટ કરવા નાગરિકો માહિતી આપતા હતા. આથી ગઠિયાઓ ટીમવ્યુઅર એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ફોન કરનારના રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરી ફ્રોડ કરતા હતા. સોહિલખાનને એક વખત મેસેજ બ્લાસ્ટ કરવાના રૂ.6 હજાર લેખે રોજના હજારો રૂપિયા મળતા હતા. આ રકમ આરોપી જુદા જુદા બેન્ક એકાઉન્ટમાં ભરાવી દેતો હતો.

સોહિલખાન મેસેજો મોકલવા માટે 4g sms getway (simbox)નો ઉપયોગ કરતો હતો. આવા એક સિમ બોક્સમાં એક સાથે 512 સિમકાર્ડ ઓપરેટ થતા હતા. ફ્રોડ મેસેજ મોકલવા આરોપી HORIZON વેબસાઈટનો ઉપયોગ કરતો હતો. આરોપી પાસેથી મળી આવેલા બેન્ક એકાઉન્ટ નંબરો અને વોલેટ પણ દેશની જુદા જુદા રાજ્યની પોલીસે ફ્રીઝ કરેલા હોવાનું ખુલ્યું છે.

સોહિલખાન અમદાવાદના રહેવાસી મૃતક અકબરખાં સાથે થયેલા ફ્રોડ કેસની તપાસમાં પકડાયો અને આંતરરાજ્ય ઠગાઈનું નેટવર્ક ખુલ્યું હતું. અકબરખાન સાથે Paytm KYCના બહાને રૂ.98 હજારનું ફ્રોડ થયું હતું, આ અંગે અકબરખાનનું અવસાન થતાં તેમના પુત્રએ ફરિયાદ કરી હતી. જે કેસની તપાસમાં પોલીસને વિગતો મળી કે જે એકાઉન્ટમાં પૈસા ગયા તે મોહસીન માજીદ પઠાણનું છે. જેની પૂછપરછમાં આ એકાઉન્ટ સોહિલ ઓપરેટ કરતો હોવાનું ખુલ્યું હતું. જેના આધારે સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો હતો.

સાયબર સેલ એસીપી જે.એમ.યાદવએ જણાવ્યું હતું કે, ટોળકીએ 200થી વધુ લોકો સાથે ફ્રોડ કર્યું તેની વિગતો અમારી પાસે આવી છે. હજુ પણ ભોગ બનેલા લોકોનો આંકડો વધી શકે છે.

 

(10:02 pm IST)