Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

વડોદરામાં મેઘરાજાની ધમાકેદાર એન્‍ટ્રી : 14 કલાકમાં 4 ઇંચ ખાબકતા ઠેરઠેર જળબંબાકાર

વડોદરા: શહેર-જિલ્લામાં મેઘરાજાની મહેર સતત છેલ્લા બે દિવસથી ચાલુ રહી છે જેને કારણે ખેતીને ફાયદો થઇ રહ્યો છે જ્યારે છેલ્લા 14 કલાકમાં વડોદરા શહેરમાં ચાર ઇંચ વરસાદ થતા શહેરમાં અનેક જગ્યા ઉપર પાણી ભરાયા હતા.વડોદરા શહેર-જિલ્લામાં ત્રણ દિવસ અગાઉ આખી રાત ભારે વરસાદ વરસ્યો હતો. તે બાદ ગઈકાલે દિવસ દરમિયાન વરસાદે વિરામ પાડ્યો હતો ત્યારબાદ ગઇરાત્રે ફરી એકવાર મેઘરાજાની મહેર શરૂ થતા આજે દિવસ દરમિયાન પણ સતત વરસાદ ચાલુ રહ્યો હતો.

વડોદરા શહેર-જિલ્લામાં સિનોર તાલુકાને બાદ કરતાં તમામ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં વડોદરા શહેરમાં સૌથી વધુ 98 મિલી મીટર વરસાદ નોંધાયો છે જ્યારે પાદરામાં 73 મિલી મીટર વરસાદ થયાના અહેવાલ મળે છે.વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં 15 મિલી મીટર જ્યારે ડભોઇમાં છ વાઘોડિયામાં 23 ડેસરમાં 36 અને સાવલીમાં 10 મિમિ વરસાદ નોંધાયો છે.

વડોદરા શહેરમાં ગઈ રાત્રે આઠ વાગ્યાથી આજે સવારે 11 વાગ્યા સુધીમાં ચાર ઈંચ વરસાદ નોંધાતા શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી.બે દિવસ પહેલા માત્ર બે ઈંચ વરસાદ પડયો હતો ત્યારે પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા તેનો નિકાલ હજી થયો નહોતો ત્યાં ફરી એકવાર ગઇરાત્રે ભારે વરસાદ થતાં પાણી ભરાઇ ગયા હતા.

(1:39 pm IST)