Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

બજાર ભાવ કરતા ઓછા ભાવ મળતા દિવેલા વાવેતરમાં ઘટાડો

ધરતીપુત્રોને બિયારણ મૌંઘું પડે છે : પાટણમાં પાછોતરો વરસાદ પડશે તો દિવેલાનું વાવેતર વધશે : પાટણમાં ૧.૯૦ લાખ હેક્ટરમાં ખરીફ વાવેતર

પાટણ, તા. ૧૩ : પાટણ જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદ ઓછો અને દિવેલાના બજાર ભાવ ઓછામળતાં ખેડૂતોએ દિવેલાનું વાવેતર ગત વર્ષની સરખામણીએ ઓછું કર્યું છે. બીજી તરફ દિવેલાના બિયારણના ઊંચા ભાવ હોવાથી ધરતીપુત્રોને મોંઘું પડે છે, પરંતુ જો પાટણમાં પાછોતરો વરસાદ સારો થશે તો દિવેલાનું વાવેતર વધવાની શક્યતા સેવાઈ રહી છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, પાટણ જિલ્લામાં ચાલુ વર્ષે શરૂઆતનો વરસાદ સારો થતાં ખેડૂતોએ ૧.૯૦ લાખ હેકટરમાં ખરીફ વાવેતર કર્યું છે. પરંતુ ગત વર્ષની સરખામણીએ રોકડીયા પાકમાં દિવેલાનું વાવેતરમાં ઘટાડો આવ્યો છે. તેનું મુખ્ય કારણ ખેડૂતો જણાવી રહ્યા છે કે દિવેલાબિયારણ મોંઘું છે અને વેચવા જઈએ તો બજાર ભાવ પોષણક્ષમ નથી મળતો એટલે દિવેલાનું વાવેતર અનેક ખેડૂતોએ કર્યું નથી. જેના કારણે દિવેલાનું વાવેતર ઘટ્યું છે. તો બીજીતરફ શરૂઆતમાં વરસાદ પણ ગત વર્ષની સરખામણીએ ઓછો પડ્યો હતો.

            પાટણ જીલ્લામાં ચાલુ વર્ષે સામાન્ય વરસાદમાં ખરીફ વાવેતરમાં સૌથી ઓછું વાવેતર દિવેલાનું થયું છે. જિલ્લામાં દિવેલાનું વાવેતર ૧૨ ઓગસ્ટ સુધી વધીને ૧૮૦૦૦ હજાર હેકટરમાં નોંધાયું છે. જે ગત વર્ષની ૧૨ ઓગસ્ટ સુધી ૩૫ હજાર હેકટર જમીનમાં દિવેલાનું વાવેતર થયું હતું. ગત વર્ષની સરખામણીએ ૧૫થી ૧૬ હજાર હેકટર જેટલું ઓછું થયું છે. ઓગષ્ટ માસમાં સારો વરસાદ જિલ્લામાં પડી રહ્યો છે, એટલે જિલ્લામાં પાછોતરું વાવેતર વધી શકે છે. જીલ્લામાં ગત વર્ષ કરતા ચાલુ વર્ષે ખરીફ પાકમાં દિવેલાના વાવેતરમાં ઘટાડો જોવા મળ્યો છે. ખેડૂતો કહે છેદિવેલાનું બિયારણ લેવા જઈએ છીએ તો ૧ કિલોના ૪૦૦થી ૫૦૦ ચૂકવવા પડે છે. ખેડ ખાતર મોંઘું થયું છે. સામે ઉત્પાદન થયેલા દિવેલા માર્કેટમાં વેચવા જઇએ છીએ તો ૭૦૦થી ૮૦૦ મળે છે. ખર્ચ વધારે થાય છે એટલે ચાલુ વર્ષે પહેલા વરસાદ ખેંચાયો અને બીજીબાજુ માર્કેટમાં દિવેલાના યોગ્ય ભાવ ન મળતા ચાલુ વર્ષે જિલ્લામાં દિવેલાના વાવેતરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

(7:46 pm IST)