Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

ભ્રષ્ટાચારીઓની બેનામી સંપતિ કેટલી, કયાં અને કોના નામે છે? આવા સવાલના જવાબ હવે આરોપી સામેથી આપી દેશે

દેશનું સર્વ પ્રથમ એલવીએ સીસ્ટમથી સજ્જ ૪૦ લાખના ખર્ચે તૈયાર થનાર ગુજરાત એસીબીના ઇન્ટ્રોગેશન રૂમમાં કટકીબાજો માટે ખોટુ બોલવુ અઘરૂ જ નહિ, અશકય પણ બની જશે : સમગ્ર પ્રોજેકટના સ્વપ્નદ્રષ્ટા એવા ગુજરાતના એસીબી વડા કેશવકુમાર સમગ્ર નવી પ્રક્રિયાનું અકિલાના વાંચકો માટે રસપ્રદ અને સરળ ભાષામાં વર્ણન કરે છે

રાજકોટ, તા., ૧૩: મોટા ભ્રષ્ટાચારીઓ પાસે કેટલી સંપતિ છે ?  આ સંપતિ કયાં છૂપાવી છે ? અને એ સંપતિ કોના-કોના નામે છે ?  એવી લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા પૂછપરછ કરવામાં એસીબીને આકાશ-પાતાળ એક કરવા પડતા એ દિવસો હવે ભૂતકાળ બની જાય તો નવાઇ નહિં, એસીબીના જાદુઇ એવા દેશના પ્રથમ ઇન્ટ્રોગેશન રૂમમાં સબંધકર્તા કટકીબાજો માટે ખોટુ બોલવુ માત્ર અઘરૂ જ નહિં પરંતુ અશકય બની જશે.

ગુજરાતના હાલના સીબીઆઇ વડા કેશવકુમાર પોતાના સીબીઆઇના બહોળા અનુભવ આધારે આવા ઇન્ટ્રોગેશન માટે ખુબ જ પ્રયત્નશીલ હતા અને હવે તેમનું આ સ્વપ્ન પુર્ણ થયું છે. સામાન્ય રીતે નિવૃતીના ગણત્રીના દિવસો બાકી હોય ત્યારે અધિકારી કે સ્ટાફ કોઇ નવી બાબતો ભાગ્યે જ વિચારે છે. કેશવકુમાર આ બાબતે અપવાદ છે.

સમગ્ર પ્રોજેકટના સ્વપ્નદ્રષ્ટા એવા રાજયના ડીજીપી કક્ષાના સિનિયર આઇપીએસ અને એસીબી વડા એવા કેશવકુમારે રૂ.૪૦ લાખના ખર્ચે એલવીએ નામે ઓળખાતી સીસ્ટમ સાથેના ઇન્ટ્રોગેશન રૂમ અંગે અકિલાના વાંચકો માટે સરળ અને રસપ્રદ ભાષામાં સમગ્ર વિગતો વર્ણવી છે.

એલવીએ (લેયર્ડ વોઇસ એનાલીસીસ) આ એક એવી 'નોન-ઇન્વેસીવ ફોરેન્સીક ફીજીયોલોજીકલ ઇન્વેસ્ટીગેશન ટેકનીક' છે કે જે સંબંધકર્તા ભ્રષ્ટાચારના આરોપીઓના અવાજમાં રહેલા ભાવનાત્મક સંકેતો શોધી કાઢે છે. એટલુ જ નહિં સંબંધકર્તા ભ્રષ્ટાચારના આરોપીઓની માનસીક સ્થિતિ જવાબ આપવા સમયે કેવી છે તેની પણ સમજ આપે છે.

પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપતી વખતે સંબંધીત ભ્રષ્ટાચારના આરોપીઓની લાગણીઓ (તાણ) અને બિન તનાવપૂર્ણ વચ્ચેનો સીસ્ટમના માધ્યમથી અભ્યાસ કરવામાં આવે છે. આ દરમિયાન છેતરપીંડીના સંકેતો પણ જોવામાં આવે છે.

એલવીએ સીસ્ટમની તપાસ અંગેની રસપ્રદ વિગતો સરળ ભાષામાં વર્ણવતા કેશવકુમારે જણાવેલ કે સંબંધક આરોપીઓ તેમને પુછાયેલા પ્રશ્નોના જે જવાબો આપે છે તે જવાબો સાચા છે કે ખોટા ? આ બાબત સંબંધકર્તા આરોપીઓ દ્વારા પ્રશ્નના જે જવાબ અપાય છે તેના અવાજના તરંગો ઉપરથી ત્વરીત પૂછપરછ કરનાર અધિકારી સારી રીતે જાણી શકે છે.  તેઓએ એક રસપ્રદ વાત એ કરી કે આ ટેકનીક ભાષા આધારીત નથી, સંબંધીત ઇસમ ગમે તે ભાષામાં વાત કરતા હોય પરંતુ તેઓના અવાજના તરંગો અને હાવભાવ તે વ્યકિત સાચુ બોલે છે કે ખોટુ તે જાણી શકાય છે. આના પરીણામે એસીબી તપાસમાં પારદર્શીતા આવશે. જે ન્યાયના  હિતમાં  હોવા સાથે કન્વીકશન રેટમાં પણ સુધારો થશે.

(11:55 am IST)