Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

કોરોનાના કેસ વધવાની સંભાવનાથી સરકાર સાબદી : તબીબો-કર્મચારીઓની રજા પર બાન

દિવાળીના તહેવારોમાં ભીડ ચિંતાજનકઃ ઓકિસજનનો વપરાશ વધ્યો : દવા, ઓકિસજન, વેન્ટીલેટર, બેડ વગેરે પુરતા ઉપલબ્ધ હોવાનો દાવો

રાજકોટ તા. ૧૩: ગુજરાતમાં દિવાળીના તહેવારોમાં બજારોમાં ભીડ વધવાથી અને લોકોના પરસ્પરના સંપર્કમાં વધુ આવવાથી કોરોનાનું સંક્રમણ વધવાની શકયતા છે. સંક્રમણના વધારાની શકયતા અને છેલ્લા ત્રણ-ચાર દિવસથી વધેલા કેસો નજર સમક્ષ રાખી સરકાર સાબદા બની છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને તબીબોની રજા પર નિયંત્રણ મૂકી દીધું છે.

ગુજરાતમાં કોરોનાના સૌથી વધુ કેસ સપ્ટેમ્બરમાં નોંધાયેલ. તે વખતે રાજયમાં દર ર૪ કલાકે ૧૪૦૦થી વધુ કેસ નોંધાતા હતા. ઓકટોબરમાં કેસની સંખ્યા ઘટીને ૯૦૦ અંદર થઇ ગયેલ. હમણા ફરી કેસ ૧૦૦૦ થી વધવા લાગ્યા છે. ઓકસીજનના વપરાશમાં પ્રતિદિન ૪ મેટ્રિક ટન જેટલો વધારો નોંધાયો છે. સપ્ટેમ્બરની સરખામણીએ અત્યારે સ્થિતિ ઘણી સારી છે. સરકારે પૂર્વ સાવચેતી માટે ઓકસીજન, દવાઓ, વેન્ટીલેટર, બેડ વગેરેની પૂરતી સુવિધા ઉપલબ્ધ રાખી છે. દિવાળી પછી દર્દીઓની સંખ્યા વધે તો પણ પહોંચી વળવામાં કોઇ તકલીફ નહિ પડે તેમ સરકારનું કહેવું. છે. નવા વર્ષના શરૂઆતના દિવસોમાં રજા ના હોવાથી તે દિવસોમાં બજારોમાં ભીડ ઘટશે.

દરમ્યાન આરોગ્ય વિભાગના અધિક સચિવ ડો. દિનકર રાવલે પરિપત્ર બહાર પાડી જણાવ્યું છે કે, રાજયમાં કોરોના સંક્રમણની પરિસ્થિતિ તેમજ આગામી તહેવારો દરમ્યાન લોકોની વધનાર અવરજવરને કારણે કોરોના સંક્રમણ વધુ ફેલાવાની શકયતાને ધ્યાને લેતાં કોઇપણ તબીબો કે કર્મચારીઓની રજાઓ સામાન્યતઃ મંજુર કરવાની રહેશે નહીં.

અનિવાર્ય સંજોગોમાં કે માંદગીના કિસ્સામાં રજા મંજુર કરવાની હોય તો વૈકલ્પિક વ્યવસ્થા કર્યા પછી જ, રજા મંજુર કરવી. કોઇ અધિકારીશ્રી/કર્મચારીએ પુર્વમંજુરી વિના ફરજનું મથક ન છોડવા આથી સુચના આપવામાં આવે છે. ઉકત આદેશનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

(3:27 pm IST)