Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

ભાજપમાં કંઈ જ નક્કી નથી હોતું : ધારાસભ્ય રમેશ પટેલ

જલાલપોરના ધારાસભ્ય રમેશ પટેલનું નિવેદન : ભારતીય સીઆર પાટીલ તરફથી તાજેતરમાં ૩૨ જિલ્લા અને ૭ શહેર માટે પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે

નવસારી,તા.૧૩ : તાજેતરમાં જ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ તરફથી શહેર અને જિલ્લા માટે નવા પ્રમુખોની જાહેરાત કરવામાં આવી હતી. જે બાદમાં વિવિધ જિલ્લાઓમાં પ્રમુખોનો પદગ્રહણ સમારંભ યોજાઈ રહ્યા છે. નવસારી ખાતે પણ નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખના પદગ્રહણના સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ભાજપના જ એક ધારાસભ્યએ કરેલા નિવેદનની ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન ધારાસભ્યએ કહ્યું હતું કે ભાજપમં કંઈ નક્કી નથી હોતું! વિધાનસભાના ઉપદંડક અને જલાલપોરના ધારાસભ્ય રમેશ પટેલે આવું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આપણી ભારતીય જનતા પાર્ટીમાં ક્યારેય કંઈ નક્કી નથી હોતું. ક્યારેય દિમાગમાં વિચાર્યું હતું કે સીઆર પાટીલ ગુજરાત પ્રદેશ પ્રમુખ બનશે? બની ગયા ન? આમાં ક્યારેક કંઈ નક્કી નથી હોતું. જેવી રીતે ભૂરાભાઈ બની ગયા છે.* ઉલ્લેખનીય છે કે નવસારી જિલ્લા પ્રમુખ તરીકે ભુરાભાઈ શાહની વરણી કરવામાં આવી છે.

           ઉલ્લેખનીય છે કે ભારતીય સીઆર પાટીલ તરફથી તાજેતરમાં જ ૩૨ જિલ્લા અને સાત શહેર માટે પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાજકોટ શહેર, જૂનાગઢ જિલ્લા, સાબરકાંઠા, કચ્છ, તાપી અને નર્મદા એમ છ પ્રમુખોને રિપીટ કરવામાં આવ્યા છે. સાથે ૩૩ નવા ચહેરાને પણ સ્થાન આપવામાં આવ્યું છે. આ લિસ્ટમાં ૯૦ ટકા ચહેરાઓ બદલાયા છે. આ પ્રમુખોમાં અમદાવાદ જિલ્લા, સુરત, વડોદરા રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, વગેરે જેવા શહેરોની સાથે જિલ્લાનાં પ્રમુખો પણ બદલાવવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણીના પરિણામ પહેલાં ૩૯ નવા પ્રમુખના નામોની જાહેરાત કરવામાં આવી હતી.

(8:17 pm IST)