Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

મોટાભાઈએ લાકડાના ફટકા મારી નાનાભાઈની હત્યા કરી

બોટાદ જિલ્લાના ગઢડા ગામની ઘટના : ગઢડાના સામા કાંઠે રહેતા ભીસરીયા પરિવારમાં બે સગાભાઈઓ વચ્ચે ઘરકંકાસમાં રાત્રે ઝઘડો થયો હતો

ગઢડા,તા.૧૩ : સમગ્ર રાજ્યમાં દિવાળીના પર્વનો હર્ષોઉલ્લાસ છવાયેલો છે ત્યારે રાજ્યના બોટાદ જિલ્લાના ગઢડા ગામમાં એક હચમચાવી નાખતો ખૂની ખેલ ખેલાયો છે. અહીંયા સંબંધોની હત્યા થઈ છે, માના ધાવણની હત્યા થઈ છે, લોહીના સંબંધોનું ખૂન થયું છે. આ કિસ્સો જાણીને તમારાં રૂવાંડા ઊભા થઈ જશે જ્યાં એક સગાભાઈએ પોતાના જ સગાભાઈને ૧૨ મહિનાના તહેવાર પર લાકડાનાં ધોકા વડે ફટકારીને મોતને ઘાટ ઉતારી દીધો છે. ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં દિવાળીના તહેવાર સમયે ઉતેજના વ્યાપી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ઘરકંકસમાં આ ઘનાટક્રમ બન્યો હોવાની માહિતી આવી છે. મૃતક વ્યક્તિનું નામ કિશોર ભીસરીયા છે. આ ચકચારી બનાવની વિગત એવી છે કે ગઢડાના સામા કાંઠે રહેતા ભીસરીયા પરિવારમાં બે સગાભાઈઓ વચ્ચે ઘરકંકાસમાં ગઈકાલે રાત્રે ઝઘડો થયો હતો. જોતજોતામાં ઝઘડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરૂ લીધું હતું.

            દરમિયાન ઘરમાં મોટાભાઈ મંગળુએ પોતાના સગા નાના ભાઈ કિશોરભાઈને માર મારવાની શરૂઆત કરી હતી. બંને ભાઈઓ વચ્ચે વાઘ બારસની રાતે ખૂની ખેલ ખેલાઈ રહ્યો હતો તેવામાં ઘરના સભ્યોએ ભાઈઓને છોડાવવાના અથાક પ્રયાસો કર્યા હતા. દરમિયાન મંગળુભાઈએ જોશમાં આવી જઈને કિશોરભાઈને લાકડાના જોરદાર ફટકા મારતા તેમને મૂઢ માર લાગ્યો હતો. આ મારાના કારણે કિશોરભાઈ ઢળી પડ્યા હતા. ઘરકંકાસમાં સામાન્ય બાબતે શરૂ થયેલી બોલાચાલી ખૂની ખેલમાં તબદીલ થઈ હતી અને કિશોરભાઈનો દમ તૂટવા લાગ્યો હતો. પરિવારે તેમને હૉસ્પિટલમાં પહોંચાડ્યા પરંતુ કિશોરભાઈના રામ રમગી ગયા હતા. સગાભાઈના હાથે ભાઈની હત્યા થતા બાર મહિનાના પરબે લોહીના સંબંધો લજવાયા હતા. માતાનું ધાવણ પણ લજવાયું હતું. હાલ તો મૃતક કિશોર ભાઈ ભીસરીયાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરી અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પરંતુ ચોમેર એક જ ચર્ચા છે જે જે ભગવાન રામ વનવાસ સમાપ્ત કરી અયોધ્યા આવ્યા તેની ખુશીમાં દિવાળી ઉજવાય છે તે રામ-લક્ષ્મણના પ્રેમની પણ લાજ હોત તો ભીસરીયા પરિવારમાં માતમ ન છવાયો હોત.

(8:19 pm IST)