Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

ડિગ્રી- ઇજનેરી અભ્યાસક્રમના પ્રવેશ પ્રક્રિયામાં રાજ્યના વિદ્યાર્થીઓને અન્યાયઃ કોંગ્રેસનો દાવો

ગુજરાતના છાત્રો ઓનલાઇન પ્રવેશ માટે હક્કદાર છે તેવી 20 બેઠકને ઓલ ઇન્ડિયા પ્રવેશ પ્રક્રિયા માટે રૂપાંતર કરી દીધી

કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ દાવો કર્યો છે કે  ગુજરાતના વિદ્યાર્થીઓને એસીપીસીમાં અન્યાય થઈ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે ગુજરાતના વિદ્યાર્થીઓ જે ઓનલાઇન પ્રવેશ માટે હક્કદાર છે તેવી 20 બેઠકને DAIICTના સત્તાધીશોએ ઓલ ઇન્ડિયા પ્રવેશ પ્રક્રિયા માટે રૂપાંતર કરી દીધી છે. આ રીતસરનો ગુજરાતના વિદ્યાર્થીઓને અન્યાય છે. DAIICT તથા એડમિશન કમિટી તથા ગુજરાત સરકાર આ અંગે તાત્કાલિક નિર્ણય કરીને તેમને અન્યાય થતો અટકાવે.

 

ગુજરાતમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બાદ ડિગ્રી ઈજનેરી અભ્યાસક્રમમાં પ્રવેશ પ્રક્રિયા માટે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીંસ (ACPC) દ્વારા હાથ ધરાઈ છે. ગુજરાતમાં ACPCએ આ અંગે ઓનલાઇન  પ્રવેશ પ્રક્રિયા હાથ ધરી છે. રાજ્યમાં વિશેષ દરજ્જા પ્રાપ્ત ટેકનિકલ અભ્યાસક્રમની સંસ્થાઓમાં 50 ટકા બેઠકો ACPC દ્વારા અને 50 ટકા બેઠકો JEE થી ભરવામાં આવે છે DAIICT, NIRMA, PDPU, IITRAM સંસ્થાઓ આ પ્રકારે પ્રવેશ પ્રક્રિયા માટે સમાવેશ થાય છે.

તાજેતરમાં ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાના બે રાઉન્ડ પૂર્ણ થયા બાદ ACPC દ્વારા ખાલી બેઠકો ની વિગતો સાથે વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવી છે. ACPC દ્વારા 50 ટકા બેઠકો પૈકી DAIICTમાં 20 બેઠકો ખાલી પડી છે. જે બેઠકો ઉપર ગુજરાતના વિદ્યાર્થીઓનો મેરિટ ઉપર પ્રવેશ માટેનો અધિકાર બને છે પણ DAIICTના સત્તાધીશોએ આ 20 બેઠકો ને ALL INDIA પ્રવેશ પ્રક્રિયા માટે રૂપાંતર કરી દીધી છે, જે ગુજરાતના મેરીટવાળા વિદ્યાર્થીઓ માટે અન્યાયકર્તા છે.

DAIICT તથા એડમિશન કમિટી ગુજરાત સરકારે તાત્કાલીક નિર્ણય કરીને ગુજરાતના મેરીટ ધરાવતા 20 વિદ્યાર્થીઓને તક આપવા અને વિદ્યાર્થીઓને અન્યાય ન થાય તે માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી (એન્જીનીયર) એ માંગ કરી છે

(9:42 pm IST)