Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

અમદાવાદ : ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા ચેકની બમણી રકમ વળતર પેટે ચૂકવવા આદેશ

ચેક રિટર્ન કરાવવાની ટેવવાળા તથા ટ્રાયલ વિલંબિત કરવાવાળા લોકો માટે લાલબત્તી સમાન ચુકાદો

અમદાવાદ : ફલેટના નાણાં ચુકવવાની જવાબદારી રૂપે આપવામાં આવેલો ચેક રિટર્ન થયાનો કેસ ચાલી જતાં 11 વર્ષ બાદ એડીશનલ ચીફ મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટે ચેક રિટર્ન કેસમાં આરોપી રમેશ ઇશ્વરભાઇ પટેલને એક વર્ષની સજા ફટકારવાનો હુક્મ કર્યો છે સાથે ચેકની બમણી રકમ એટલે કે  6, 40 ,000ની રકમ વળતર પેટે ચુકવવાનો આદેશ આપ્યો છે. આ વળતરની રકમ ત્રણ મહિનામાં ના ચુકવે તો કોર્ટે વધુ ત્રણ માસની સજા ભોગવવાનો હુક્મ કર્યો છે. આ ચુકાદો ચેક રિટર્ન કરાવવાની ટેવવાળા તથા ટ્રાયલ વિલંબિત કરવાના બદઇરાદાવાળા ગુનાહીત લોકો માટે લાલબત્તી સમાન છે.

   આ ફરિયાદના કેસની વિગત એવી છે કે, રમેશ ઇશ્વરભાઇ પટેલે શહેરના મણિનગર સ્થિત સૂર્યા સિટી ફલેટ નં. એ/14/104 હેમાબેન પ્રફુલ્લભાઇ પટેલને વેચાણ આપ્યો હતો. બીજી તરફ આ ફલેટ કેનેરા બેંકમાં જામીનદાર તરીકે મૂકયો હતો. દરમિયાનમાં રકમ નહીં ભરી શકતાં બેંકે આ ફલેટને સીલ મારી દીધો હતો. જેથી હેમાબેન તથા રમેશભાઇ વચ્ચે થયેલા સમાધાન મુજબ ફલેટના નાણાં ચુકવવાની જવાબદારી રૂપે પાર્ટ પેમેન્ટ રૂપે રૂપિયા 3,20,000નો ચેક આપ્યો હતો. જે પરત ફર્યો હતો. જેથી હેમાબેનના પાવર ઓફ એટર્ની તરીકે પ્રફુલ્લભાઇ પટેલે આ અંગે એડવોકેટ કે.એસ. વર્મા મારફતે કોર્ટમાં ચેક રિટર્ન અંગેનો કેસ કર્યો હતો.

  આ કેસ ચાલી જતાં એડીશનલ ચીફ મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટે આરોપી રમેશ પટેલને એક વર્ષની સજા ફટકારવાનો હુક્મ કર્યો હતો. તેની સાથે ફરિયાદી પ્રફુલ્લભાઇને ચેકની બમણી રકમ મતલબ કે 6,40,000 વળતર પેટે ચુકવવાનો આદેશ આપ્યો હતો. આ રકમ 30 દિવસમાં ચુકવી આપવાની રહેશે. નહીં તો વધુ ત્રણ માસની સજા ભોગવવાનો હુક્મ કર્યો હતો

કોર્ટે સજાના હુક્મમાં નિરીક્ષણ કર્યું છે કે, ચેક આપ્યા બાદ ક્રિમીનલ ટ્રાયલ યેનકેન પ્રકારે વિલંબિત રહે તેવી યુક્તિ / પ્રતિયુક્તિ અપનાવી હતી. તેમ જ 2009ની ફરિયાદમાં ફરિયાદપક્ષનો પુરાવો પૂર્ણ થયા બાદ આરોપીએ છ વર્ષ જેટલો સમય પુરાવા રજૂ કરવાના બહાના કરી ખેંચતા આવ્યા હોવાની પણ નોંધ લીધી હતી. 11 વર્ષ જેટલો સમય બાદ ટ્રાયલ પૂર્ણ થઇ હોવાથી ચેકની બમણી રકમ ફરિયાદીને વળતર પેટે ચુકવવાનો હુક્મ કર્યો હતો.

(10:14 pm IST)