Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

તાના-રીરી મહોત્સવ : ૧૧૨ ભવાઇ કલાકારોનું સતત ૫ મીનીટ ભુંગળ વાદન : વર્લ્ડ રેકોર્ડ

મહેસાણા,તા. ૧૩ : વડનગરમાં તાના-રીરી સમાધી સ્થળે આયોજીત આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત તાના-રીરી મહોત્સવમાં ગઇ કાલે શુક્રવારે તુરી, બારોટ અને નાયક સમાજના ૧૧૨ ભવાઇ કલાકારોએ ૫ મીનીટ સુધી પરંપરાગત લોકવાદ્ય ભુંગળનું સામુહીક વાદન કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. કલાકારોએ સામુહીક લયમાં શિવ શકિતની સલામી, ગરજ સ્વરમાં રાગ પ્રસ્તુત કરેલ. તેમણે ઉંચા સ્વરમાં તિહાઇ પણ વગાડેલ. ચલતીના તબલામાં તાલ, હીંચ અને પાધરૂના તાલમાં ભૂંગળ વગાડી રેકોર્ડ બનાવેલ. મહોત્સવમાં અગાઉ પણ આઠ રેકોર્ડ બની ચૂકયા છે. ૧૩મી સદીમાં અસાઇત ઠાકરે ભવાઇની સાથે ભૂંગળ વગાડી મનોરંજન માટે પ્રચાર શરૂ કરેલ. આ તકે સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ પંકજ ભટ્ટ, વર્લ્ડ રેકોર્ડ ઇન્ડીયા અને જીનીયસ ફાઉન્ડેશનના અધ્યક્ષ પાવક સોલંકી હાજર રહેલ. સંચાલન હિમ્મતનગરના ગૌરવ પુરસ્કાર વિજેતા ભરત વ્યાસે કરેલ. 

(11:59 am IST)