Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

પાટણના હારીજ વિસ્‍તારની ઘટના : પ્રેમી સાથે ભાગી જવાની હિંમત દાખવનાર યુવતીનું મો કાળુ કરી મુંડન કરી –કોથળોનો ડ્રેસ પહેરાવ્‍યો

પાટણ : દેશમાં હજુ પણ એવા રાજ્યો છે જ્યાં પ્રેમ એક ગુનો છે અને એ ગુનાની સજા એટલે ક્રુરતાથી કઈ ઓછી નહિ. પરંતુ,સમાજ, પંચાયત, પટેલ પ્રથા, તેમના ફરમાનો અને એથી વિશેષ તાલીબાની ફરમાન જેવી સજાનો ભોગ ગુજરાતમાં એક યુવતીએ બનવું પડે તેનાથી વધુ શરમજનક ઘટના હોય જ ના શકે.

રાજ્યની જનતાને વિકાસની દિશામાં લઇ જવા મથતી સરકાર પ્રજાની આવી માનસિકતાને બદલીને વિકાસનો અહેસાસ કેવી રીતે કરાવી શકશે.એ મોટો સવાલ છે. ગુજરાતમાં એક યુવતી સાથે બર્બરતા દર્શાવનાર ટોળાની માનસિકતા નપુંસક છે.અને આ અધમ કૃત્ય બદલ સરકારે યુવતી પ્રત્યે માત્ર સહાનુભૂતિ જ નહિ પરંતુ, આવા કાયરતાભર્યા કૃત્ય કરનારને આ જ પ્રકારની સજા ફટકારવી જોઈએ તેવો સૂર ગુજરાતમાંથી ઉઠ્યો છે.પાંચ દિવસ બાદની આ ઘટનાનો વિડીયો વાયરલ થતા ગુજરાતમાં હાહાકાર મચી ગયો છે.

ગુજરાતના પાટણના હારીજ વિસ્તારની હૈયું હચમચાવી નાખે તેવી આ ઘટનામાં પ્રેમી સાથે ભાગી જવાની હિમત કરનારી યુવતી સાથે પિશાચી મનોવૃતિના લોકોએ એવું કૃત્ય કર્યું કે,ગુજરાતની અસ્મિતાનું માથું શરમથી ઝૂકી જ જાય. પ્રેમી સાથે ભાગેલી યુવતીનું મોં કાળું કર્યા બાદ, માથે મૂંડન કરી,તેના પર અગ્નિ મુકીને,કોથળાનો ડ્રેસ બનાવી યુવતીને પહેરાવ્યો હતો.અને ત્યાર બાદ આખી વસાહતમાં ફેરવવામાં આવી હતી. તમે એ સાંભળીને ચોંકી જશો કે, પીડિત યુવતી સાથે થયેલા બર્બર કૃત્યમાં માત્ર પુરુષો હતા તેવું પણ નથી. મહિલાઓ પણ મોટા પ્રમાણમાં સામેલ હતી. કલ્પના કરી શકો છો કે, આ સમાજની છોકરી ઉછરતી હશે તો કેવી રીતે ? ઉંબરો ઓળંગતી હશે ત્યારે તેની મનોદશા કેવી હશે ? હારીજના વાદી વિસ્તારની આ ઘટનામાં આજેય ગુજરાત 18મી સદીની માનસિકતામાં જીવતા સમાજ અને સમાજના મોભીઓ જોવા મળ્યા છે. પછાત માનસિકતાનો કોઈ વિકલ્પ નથી અને આવી પ્રજાને વિકાસના સોને-રૂપે મઢેલા થાળ આપો તો પણ ફૂવડ માનસિકતાનો આ સમાજ જોઈ-જીરવી ના શકે. આવા સમાજને દુનિયાદારી, વિકાસ, પ્રગતી અને સન્માર્ગ વિષે કઈ જ ગતાગમ નથી.અને ગુજરાતમાં રહીને આવી માનસિકતાએ રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું માથું શરમથી બેહદ નીચે ઝુકાવી દીધું છે.

પ્રેમલગ્ન એ જાણે કોઈ એવો ગુનો હોય કે એ માટે યુવતી સાથે બર્બરતા પૂર્વક વર્તન કરવામાં આવે,અને એ પણ ગુજરાતમાં તેની કલ્પના પણ કદાચ ના થઈ શકે.ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારમાં કેટલીક પ્રજાતિ અને કેટલાક રૂઢીચુસ્ત સમાજ આજે પણ માનસિક કે આર્થિક સ્વતંત્રતા સ્વીકારી શકતા નથી.સમાજની પછાત માનસિકતાના જડ માનસમાંથી બહાર ના નીકળી શકનારા આવા તાલીબાન સામે સામાજિક વિદ્રોહ પણ થઇ શકે છે. પાટણના હારીજ વિસ્તારની આ ઘટનાથી પોલીસ સદંતર અજાણ છે પરંતુ આ ઘટનાના દેશવ્યાપી પડઘા ચોક્કસ પડશે.

રાજ્યભરના નાગરિકોની સંવેદનાના પાયા હચમચાવી નાખતી પાટણની આ ઘટનાનો તાગ મેળવવા પોલીસ અધીક્ષક અક્ષય રાજ મકવાણા પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે પહોચ્યા છે. આ ઘટનામાં 15 લોકોની અટકાયત કરી છે.કહેવાય છે કે,ચાર-પાંચ દિવસ પહેલા આ ઘટના ઘટી હતી જે હવે ઉજાગર થઇ છે. પોલીસે હવે આ ઘટનાનો ડોર હાથમાં લેતા, સાચી હકીકતથી માંડીને તમામ વિગતો બહાર આવશે.

(11:06 pm IST)