Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

સ્વામિનારાયણ રાસ : થ્રી-ડી ફિલ્મ

સોમવારે વડતાલમાં કાર્તિકી સમૈયા પ્રસંગે વિમોચન : રાકેશપ્રસાદજી મહારાજની હાજરી : નામાંકિત કલાકારોની કલા : ટીમ જ્ઞાનજીવનદાસજી સ્વામીની અનેરી ભેટ

વડતાલ તા. ૧૩ : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સંત અને સંપ્રદાયની એનીમિશન ફિલ્મના પુરસ્કર્તા શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી યાત્રાધામ વડતાલના પ્રભાવી કાર્તિકી સમૈયા પ્રસંગે વડતાલ આવી રહ્યા છે. વડતાલ મંદિર દ્વારા તા. ૧૩મીને શનિવારથી તા. ૧૯મીને શુક્રવાર સુધી યોજાનારા સમૈયા અંતર્ગત જ્ઞાનજીવનદાસજી સ્વામીની શ્રી વચનામૃત કથાનું આયોજન થયું છે.

આ સમારંભ દરમિયાન પ્રબોધિની એકાદશી, તા. ૧૫મી સોમવારે કથાના દ્વિતીય સત્રમાં રાત્રે ૮.૩૦ વાગ્યે શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળધામ તથા કારેલીબાગ વડોદરા દ્વારા તૈયાર કરવામાં આવેલી વધુ એક થ્રી-ડી એનિમેશન ફિલ્મ 'સ્વામિનારાયણ રાસ-૧'નું વિમોચન થનાર છે. આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ, પૂ. જ્ઞાનજીવનદાસજી સ્વામી, વડતાલ મેનેજીંગ ટ્રસ્ટી બોર્ડના ચેરમેન દેવપ્રકાશ સ્વામી, કોઠારી ડો. સંતવલ્લભદાસજી વગેરેના હસ્તે 'રાસ'નું વિમોચન થશે.

સ્વામીજીના માર્ગદર્શન હેઠળ એનિમેશન ટેકનિકલ ટીમ દ્વારા 'રાસ' ભાગ-૧ની આ ડોકયુમેન્ટરીના સર્જનમાં પુરૃં હીર નિચોવવામાં આવ્યું છે. રાસમાં એક પ્રકારનો સજીવારોપણ ભાવ નિરૂપાયો હોય જોનાર તે પણ આ રાસના એક ખેલૈયા હોવાની અનુભૂતિ થયા વગર રહેતી નથી.

દિલેર મહેંદી, કિર્તીદાન ગઢવી, પાર્થિવ ગોહિલ સહિતના સાત ખ્યાતનામ ગાયક કલાકારોએ રાસમાં સંગીતકલા પીરસી છે. પૂ. જ્ઞાનજીવનદાસજી સ્વામીના અથાક પરિશ્રમથી આ તમામ કસબીઓ પણ પ્રભાવિત થયા છે.

આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના રૂડા આશિર્વાદ સાથે વડતાલ મેનેજીંગ ટ્રસ્ટી બોર્ડના ચેરમેન દેવપ્રકાશ સ્વામી તથા વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડો. સંતવલ્લભદાસજી તથા શ્યામવલ્લભ સ્વામી આ વિશેષ કાર્યક્રમને આખરી ઓપ આપી રહ્યા છે. વધુ માહિતી માટે મો. ૯૬૦૧૨ ૯૦૦૧૫ ઉપર સંપર્ક સાધી શકાય છે.

(11:57 am IST)