Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

ગુજરાતમાં ૪,૭૩,પ૭,૪પર મતદારો : ૧પ થી ર૦ લાખ ઉમેરાશે : કાલે કેમ્પ

સરેરાશ ૧પ૦૦ મતદારો દિઠ ૧ મતદાન મથક : ૮૧ મતદાન મથકોના વધારા સાથે કુલ પ૧૬૩૬ : ૧ર દિ'માં નવા પ૦ હજાર મતદારો ઓનલાઇન ઉમેરાયા ગુજરાતમાં કોરોના કાળમાં ૭ લાખથી વધુ મતદારો નોંધાયા, જેમાં ૭પ ટકાથી વધુ નોંધણી ઓનલાઇન : જનપ્રતિનિધિ પસંદ કરવાની પ્રક્રિયામાં ભાગ લેવા મતદાર તરીકે નોંધણી અચૂક કરાવવા આર. કે. પટેલની અપીલ

રાજકોટ તા. ૧૩ :.. કેન્દ્રીય ચૂંટણી પંચના ગુજરાત એકમ દ્વારા તા. ૧ નવેમ્બરથી મતદાર યાદી સુધારણા અભિયાન હાથ ધરાયેલ છે. ગઇકાલે સાંજ સુધીમાં પ્રથમ ૧ર દિવસમાં પ૦ હજાર જેટલા નવા મતદારો ઓનલાઇન નોંધાયા છે. સ્થળ પરની નોંધણીનો આંકડો નવેમ્બર અંતમાં જાહેર થશે. ગઇ તા. ૧ નવેમ્બરની સ્થિતિએ રાજયમાં ૪,૭૩,પ૭,૪પર મતદારો નોંધાયેલા છે. હાલના એક મહિનાના મતદાર યાદી સુધારણા અભિયાનમાં ૧પ થી ર૦ લાખ મતદારો ઉમેરાવાની શકયતા છે. કુલ મતદારોનો આંકડો ૪.૯૦ કરોડ આસપાસ પહોંચવાની ધારણા છે. આખરી મતદાર યાદી આવતી તા. પ જાન્યુઆરીએ પ્રસિધ્ધ થશે.

મતદાર યાદી સુધારણા અભિયાન અંતર્ગત તા. ૧૪, ર૧, ર૭ અને ર૮ ના દિવસે વિશેષ ઝૂંબેશ રાખવામાં આવી છે. આ ચારેય દિવસોમાં તમામ બુથ પર જે તે બ્લોક લેવલ ઓફીસર સહિતની ટીમ હાજર રહી નવા મતદારોની નોંધણી અને નામ સુધારા સહિતની કામગીરી કરશે. મતદારો જયાં  મત દેવા જતા હોય ત્યાં જઇને મતદાર તરીકે નામ ઉમેરા, બાદબાકી, સુધારા સહિતની  કામગીરી કરી શકશે. અભિયાનનો પ્રથમ કેમ્પ આવતીકાલે જ છે. તમામ જિલ્લાઓમાં  કલેકટરોના માર્ગદર્શન હેઠળ વ્યવસ્થા ગોઠવાયેલ છે.

રાજયમાં હાલ સરેરાશ ૧પ૦૦ મતદારો દિઠ ૧ મતદાન મથક નકકી કરવામાં આવેલ છે. તે મુજબ ૮૧ મતદાન મથકોના વધારા સાથે કુલ પ૧૬૩૬ મતદાન મથકો થયા છે. મતદારોમાં ઉમેરા પછી મતદાન મથકોની સંખ્યા વધશે. તા. ૧ જાન્યુઆરી ર૦રર ના દિવસ સુધીમાં ૧૮ વર્ષ પુરા થતા હોય તેવા યુવાનો નવા મતદાર તરીકે નામ નોંધાવી આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાગ લઇ શકશે.

ગુજરાતના અધિક મુખ્ય નિર્વાચન અધિકારી આર.કે.પટેલે યુવા મતદારોમાં જનજાગૃતિ ઝુંબેશમાં NCCના યોગદાનની પ્રસંશા કરતાં કહ્યું કે, ગુજરાતમાં યુવા મતદારોની નોધણી માટે NCC, NSS અને નહેરુ યુવા કેન્દ્ર તેમજ સ્વૈચ્છીક સંગઠનોની ભૂમિકા મહત્વની રહી છે. ગુજરાતમાં કોવિડ કાળ દરમિયાન ૭ લાખથી વધુ મતદાર નોંધણીમાં ૭૫ ટકાથી વધુ નોંધણી તો ઓનલાઈન થઈ છે.

અમદાવાદના લોગાર્ડન સ્થિત એનસીસી હેડકવાર્ટર ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાત અને NCCના એડિશનલ ડાયરેકટર જનરલ અરવિંદ કપૂરની ઉપસ્થિતિમાં યુવા મતદાર નોંધણી ઝુંબેશનો ગઇ કાલેે શુભારંભ કરવામાં આવ્યો હતો.

NCC ગુજરાત અને મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાતના સંયુકત ઉપક્રમે હાથ ધરાયેલી આ યુવા મતદાર નોંધણી ઝુંબેશમાં ઉપસ્થિત આર. કે. પટેલે એનસીસી કેડેટને સંબોધતા કહ્યું કે, લોકશાહીનો સૌથી મોટો લાભ એ છે કે આપણે આપણા જનપ્રતિનિધિ પસંદ કરી શકીએ છીએ અને તે પસંદગી માટે મતદારે નોંધણી કરાવવી અનિવાર્ય હોય છે. ત્યારે આપણે સૌએ મહત્ત્।મ મતદારોની નોંધણી માટેના પ્રયાસો કરવા જોઇએ.

કાર્યક્રમમાં અમદાવાદના અધિક જિલ્લા ચૂંટણી અધિકારી ચેતન ગાંધી  અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

(11:58 am IST)