Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

ગાંધીનગર જિલ્લાના હાઇવે માર્ગ પર દારૂના જથ્થા સાથે પોલીસે વધુ એક મુસાફરને ઝડપી પાડયો

ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના હાઈવે માર્ગો ઉપર દારૃની હેરાફેરી અટકાવવા માટે વાહનચેકીંગ હાથ ધરવામાં આવી રહયું છે ત્યારે ચંદ્રાલા પાસે ચિલોડા પોલીસે વાહન ચેકીંગ દરમ્યાન ખાનગી લકઝરી બસમાંથી વધુ એક મુસાફરને વિદેશી દારૃની ૧૨ બોટલ સાથે ઝડપી પાડયો હતો. જેથી પોલીસે ૧૨૪૩૦નો મુદ્દામાલ કબજે કરીને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.   

રાજયમાં દારૃબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૃનો જથ્થો ઘુસાડવામાં આવતો હોય છે અને તેમાં પણ હવે બુટલેગરો દ્વારા ખેપિયાઓની મદદથી એસટી અને ખાનગી લકઝરી બસોમાં મોકલી દારૃની ખેપ લગાડવામાં આવતી હોય છે. ખાસ કરીને ચિલોડા હિંમતનગર હાઈવે ઉપર આ પ્રકારે રાજસ્થાન તરફથી મુસાફરોના સ્વાંગમાં ખેપિયાઓ સક્રિય થયા છે. ત્યારે ચિલોડા પોલીસ દ્વારા ચંદ્રાલા પાસે અવારનવાર વાહનચેકીંગ કરીને દારૃની ખેપ મારતાં આવા ખેપિયાઓને પકડવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે ત્યારે ચિલોડા પોલીસની ટીમ ચંદ્રાલા પાસે વાહન ચેકીંગમાં હતી તે દરમ્યાન હિંમતનગર તરફથી આવતીં લકઝરીમાં તપાસ કરતાં આ બસમાં સવાર મુસાફર ચિરાગ હરેશભાઈ સતાણી રહે.૧૧૬, આશીર્વાદ ગેસ્ટહાઉસ, રાજકોટ પાસે રહેલા થેલામાંથી વિદેશી દારૃની ૧૨ બોટલ મળી આવી હતી. જે બોટલ કબ્જે લઈને આ યુવાન દારૃ કયાંથી લાવ્યો હતો અને કોને આપવનો હતો તે જાણવા મથામણ શરૃ કરી છે. હાલ તો પોલીસે દારૃ અને મોબાઈલ મળી ૧૨૪૩૦નો મુદ્દામાલ કબજે કરી પ્રોહીબીશન એકટનો ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી હતી. 

(5:00 pm IST)