Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

આણંદ જિલ્લાના આસોદર-આણંદ રોડ નજીક સીમમાં વહેલી સવારે પુરપાટ ઝડપે જઈ રહેલ ટેમ્પામાં અકસ્માત સર્જાતા ચાલકનું ઘટનાસ્થળેજ મોત

આણંદ : આણંદ જિલ્લાના આસોદર-આણંદ રોડ ઉપર આવેલ ખડોલ(હ) ગામની સીમમાં આજે વહેલી સવારના સુમારે પુરપાટ ઝડપે જઈ રહેલ એક થ્રીવ્હીલ ટેમ્પી આગળ જઈ રહેલ લાકડા ભરેલ ટ્રેક્ટરની પાછળના ભાગે ધડાકાભેર અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ટેમ્પી ચાલકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે આંકલાવ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દહેમી ગામે રહેતા કિરણસિંહ જીતસિંહ રાઠોડ આજે વહેલી સવારના સુમારે ઘરેથી શાકભાજી માર્કેટમાં આપવા માટે ગામના જ રહેવાસી મહેન્દ્રભાઈ અમરસિંહ રાઠોડની થ્રીવ્હીલ ટેમ્પીમાં શાકભાજી ભરી મહેન્દ્રભાઈ રાઠોડ તથા કિરણસિંહ રાઠોડ દહેમીથી આસોદર માર્કેટમાં આવ્યા હતા. માર્કેટમાં શાકભાજી વેચ્યા બાદ તેઓ બંને થ્રીવ્હીલ ટેમ્પીમાં સવાર થઈ દહેમી ગામે પરત જવા નીકળ્યા હતા. દરમ્યાન વહેલી સવારના છએક વાગ્યાના સુમારે તેઓની ટેમ્પી આસોદર-આણંદ રોડ ઉપર આવેલ ખડોલ (હ) ગામના સીએનજી પેટ્રોલપંપ નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે ચાલક મહેન્દ્રભાઈ રાઠોડે પોતાની ટેમ્પી ગફલતભરી રીતે હંકારતા આગળ જઈ રહેલ લાકડા ભરેલ એક ટ્રેક્ટરની પાછળના ભાગે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટેમ્પીચાલક મહેન્દ્રભાઈને ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. દરમ્યાન કિરણભાઈ રાઠોડે અકસ્માત અંગે ૧૦૮ને ફોન કરતા ઈમરજન્સી વાન તુરંત જ ઘટના સ્થળે દોડી આવી હતી અને મહેન્દ્રભાઈને તપાસીને મૃત જાહેર કર્યા  હતા. આ બનાવ અંગે આંકલાવ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:02 pm IST)