Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

ગંગા આરતીની થીમ પર હવે નર્મદા મૈયાની આરતી થશે: ગોરા ગામમાં ઘાટ તૈયાર:વડાપ્રધાન મોદી કરાવશે પ્રારંભ

નદીમાં મ્યુઝિકલ ફાઉન્ટેન અને લેસર શો યોજાશે: આરતી પૂરી થયા બાદ ફાઉન્ટેન લેસર શો બતાવાશે :આરતીનું ગ્રાન્ડ રિહર્સલ પણ કરાયું : ગોરામાં 11 કરોડના ખર્ચે 50 મીટર લાંબો અને ૩૫ મીટર પહોળો વિશાળ નર્મદા ઘાટ બનાવાયો

અમદાવાદ :રાજ્યમાં આવેલી વિવિધ પવિત્ર નદીઓને પુજવાનો મહિમા અલગ જ છે અને તેમાં પણ વાત જ્યારે પાવન સલિલામાં નર્મદા મૈયાની આવે ત્યારે આંખો અને મસ્તક ભાવથી નમી જ જાય છે. જાણવા મળી રહ્યું છે કે હવે હરિદ્વાર)માં જે પ્રકારે ગંગા આરતી થાય છે તે જ થીમ પર હવે નર્મદા તટે નર્મદા મૈયાજીની પણ આરતી ભક્તિભાવ પૂર્વક કરવામાં આવશે.

વડાપ્રધાન મોદીની  મહત્વકાંક્ષી વિચારધારામાં સામેલ આ એક પ્રોજેક્ટને હવે આખરી ઓપ અપાઈ ચુક્યો છે અને ટૂંક સમયમાં ખુદ વડાપ્રધાન મોદી નર્મદા મૈયાજીની આરતી કરીને તેનો પ્રારંભ પણ કરાવશે.

જણાવવું રહ્યું કે નર્મદા જિલ્લાના ગોરા ગામમાં નર્મદા ઘાટ ખાતે નર્મદા માતાની આરતીનું ગ્રાન્ડ રિહર્સલ પણ કરવામાં આવ્યું છે. રાજ્યના લોકોને ગંગા આરતીનો લ્હાવો લેવા માટે હરિદ્વાર સુધી જવાની જરૂર આ આરતીનાં પ્રારંભ બાદ નહીં પડે. અહીં ગંગા આરતી જેવી જ નિયમિત નર્મદા આરતી થશે

 

નર્મદા આરતી માટે કાશી વિશ્વ વિદ્યાલયના સહયોગથી ખાસ પુજારીની હાજરી રહેશે

વડાપ્રધાન મોદી સૌપ્રથમ નર્મદા આરતી કરવાના હોવાથી અત્યારથી જ ગ્રાન્ડ રિહર્સલ શરૂ કરી દેવામા આવ્યું છે. આરતી બાદ નર્મદા નદીમાં મ્યુઝિક ફાઉન્ટેન લેસર શોનું પણ રિહર્સલ કરવામાં આવ્યું હતું. દરરોજ આરતી પૂરી થયા બાદ લોકોને ફાઉન્ટેન લેસર શો પણ બતાવવામાં આવશે.

ગંગા, યમુના નદીની જેમ જ માં- નર્મદા દર્શન માત્રથી પાપ દુર થાય છે ત્યારે સુપ્રસિદ્ધ શૂલપાણેશ્વર મહાદેવ મંદિર પાસે વિશાળ એક ઘાટ નર્મદા તટ બનાવવામાં આવ્યો છે અને ત્યાં આવનારા સમયમાં વડાપ્રધાન મોદી સૌ-પ્રથમ નર્મદા આરતી કરશે. જે રીતે હરિદ્વાર માં ગંગા આરતી થાય છે તેવી જ રીતે નિયમિત નર્મદા કિનારે માં નર્મદાની આરતી થશે.

ગોરા ખાતે રૂપિયા 11 કરોડના ખર્ચે 50 મીટર લાંબો અને ૩૫ મીટર પહોળો વિશાળ નર્મદા ઘાટ બની ગયો છે. આ ઘાટ ઉપર 6 હજાર ભાવિકભકતો બેસી શકશે તેવી ક્ષમતા છે. તો પૂજારીઓ ઊભા રહેવા એક પ્લેટફોર્મ બનાવાયું છે. જ્યાં ઊભા રહી પૂજારીઓ નિયમિત સંધ્યા આરતી કરશે. નર્મદા આરતી માટે કાશી વિશ્વ વિદ્યાલયના સહયોગથી પૂજારીઓએ દ્વારકા, શારદાપીઠ, કાશી, મથુરામાં સંસ્કૃત પાઠશાળામાં શિક્ષણ મેળવ્યું છે અને, હાલ દરરોજ પૂજારીઓ દ્વારા સંગીતમય આરતીનું રિહર્સલ થઈ રહ્યું છે.

નર્મદા મૈયાના તટ પર હવે આરતીની આ સુવિધા ઉભી થવાની હોવાને લઈ ભક્તોમાં ખુબ આનંદ અને ઉત્સાહ અત્યારથી જ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો મુજબ સ્ટેચ્યુ બાદ હવે ગોરા તટ પર આ રીતે થનારી આરતીથી ભક્તો સાથે ટુરિસ્ટોની સંખ્યામાં પણ વધારો થશે એ નક્કી છે.

(8:09 pm IST)