Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

સુરતમાં કારખાનેદારને ત્‍યાં આવેલા ૪ પાર્સલમાં ૯૬ બોટલ દારૂ નીકળી પડ્યો

પાર્સલના દારૂની બોટલની કિંમત ૧.૩૧ લાખ : દારૂની બોટલ સાથેનું પાર્સલ કોણે મોકલવ્‍યું ?: પોલીસ દ્વારા તપાસ

સુરત : ગુજરાતમાં દારુ અંગેનો કાયદો એવો કડક છે કે કાચા-પોચાના તો મોતિયા જ મરી જાય છે.આવા સંજોગોમાં સુરતમાં એક કારખાનેદારના ઘરે મસમોટા 4 જેટલા પાર્સલ આવ્યા અને પાર્સલ ખોલતા જ કારખાનેદારની આંખો પોતાની જાત પર વિશ્વાસ ના કરી શકી.

મસમોટા ચાર પાર્સલમાંથી રૂપિયા 1.31 લાખની કિમતની 96 જેટલી વિદેશી દારૂની બોટલ નીકળી હતી.

સુરતની ઘટના જ એવી છે કે, હવે તમારે ત્યાં કોઈ પાર્સલ આવે તો જરા સંભાળજો તેમ કહેવું પડે છે. સુરતના ભટારમાં વિસ્તારમાં રહેતા એક કારખાનેદારના ઘરે દિલ્હીની માર્ક્સ એક્સપ્રેસ કુરિયર કંપનીનાચાર પાર્સલ આવ્યા હતા.કારખાનેદારને એમ કે, દીપાવલીના તહેવારોમાં કોઈએ કુરીયરથી ગિફ્ટ મોકલી હશે. આમ સમજીને તેમણે પાર્સલ ખોલવા શરુ કર્યા. જેમ એક પછી એક પાર્સલ ખોલવા લાગ્યા ત્યાં તેમની આંખો આશ્ચર્યથી વિસ્ફારિત થઇ ગઈ. ચાર પાર્સલમાં મળીને 96 જેટલી વિદેશી દારૂની બ્રાન્ડેડ બોટલ નીકળી હતી.જેની અંદાજીત કિમત રૂપિયા 1.31 લાખ જેટલી થવા જાય છે.

કારખાનેદાર દંપતીએ તુરંત જ સ્થાનિક પોલીસને આખી ઘટનાનું વર્ણન કરતા પોલીસ આવી ચઢી હતી અને મુદામાલ કબજે કર્યો હતો.સાથોસાથ દિલ્હીની એ પાર્સલ ઓફિસમાં પણ તપાસ આદરી છે જ્યાંથી આ પાર્સલનો જથ્થો રવાના કરાયો હતો. હવે આ પાર્સલ કોણે મોકલ્યા છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(9:07 pm IST)