Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

સુરતના સરથાણા જકાતનાકા પાસે સુખારામ જવેલર્સમાં બુકાનીધારીનો આતંક : ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યા

ફાયરિંગના સીસીટીવી ફૂટેજ વાયરલ : પોલીસે સ્થળ પરથી ત્રણ કારતુસ કબજે કરી એફએસએલમાં મોકલ્યા: ફરિયાદ કરવા શોપ માલિકનો ઇન્કાર

( હિરેન સોઢા, સુરત)  સુરત, : સુરતના સરથાણા જકાતનાકા સ્થિત રાઈઝ ઓન પ્લાઝામાં આવેલા સુખારામ જવેલર્સ પર ગુરુવારે સાંજે એક બુકાનીધારીએ ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરતા દુકાનદારે દુકાન બંધ કરી ત્યાંથી ચાલ્યા જવાની ફરજ પડી હતી. જોકે, બનાવ અંગે જવેલર તરત જાણ કરવાને બદલે આજે ફાયરીંગના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા બાદ પોલીસ પાસે પહોંચ્યો હતો અને આજે પણ ફરિયાદ કરવા ઇન્કાર કરતા પોલીસે સ્થળ પરથી ત્રણ કારતુસ કબજે કરી એફએસએલમાં મોકલ્યા હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના સરથાણા જકાતનાકા સ્થિત રાઈઝ ઓન પ્લાઝા જી-10 માં કલ્પેશભાઈ સોનીની માલિકીની સુખારામ જવેલર્સના નામે જવેલરી શોપ આવેલી છે. ગતસાંજે 7.20 ના અરસામાં એક બુકાનીધારી તેમની દુકાનની બહાર આવ્યો હતો અને દુકાન પર એક રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું.આથી દુકાનદાર અને સ્ટાફના એક વ્યક્તિએ કાચનો દરવાજો ખોલ્યો ત્યારે ફાયરીંગ કરનાર દરવાજા પાસે ઉભો રહી ગયો હતો અને હથિયાર તાક્યું હતું. બાદમાં તે દુકાનથી થોડે દૂર જઈ ઉભો રહેતા દુકાનદાર અને સ્ટાફના વ્યક્તિએ કાચનો દરવાજો બંધ કરવા માંડયો ત્યારે તે વ્યક્તિએ તેમના તરફ હથિયાર તાકી વારાફરતી ફાયરીંગ કરતા દુકાનદારે તેમની બેગ જયારે સ્ટાફના વ્યક્તિએ થેલી ધરી બચવાપ્રયાસ કર્યો હતો. તે પછી તરત બંનેએ દુકાનનો મુખ્ય દરવાજો બંધ કર્યો હતો અને જતા હતા ત્યારે ફાયરીંગ કરનારે ફરી તેમના તરફ હથિયાર તાક્યું હતું.
 

ફાયરીંગની આ ઘટના અંગે દુકાનદારે પોલીસને તરત જાણ કરી નહોતી. દરમિયાન, દોઢથી બે મિનિટમાં બનેલી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ આજરોજ વાયરલ થયા બાદ તે પોલીસ પાસે પહોંચ્યો હતો. દુકાનદારે આજે પણ ફરિયાદ કરવા ઇન્કાર કરતા પોલીસે સ્થળ પરથી ત્રણ કારતુસ કબજે કરી એફએસએલમાં મોકલ્યા હતા.ફાયરીંગમાં કાચ પણ તૂટ્યો નહોતો અને કોઈ ઇજા પણ થઈ નહોતી. તેમજઆજુબાજુની તમામ દુકાનો બંધ હોવા છતાં લૂંટનો પણ કોઈ પ્રયાસ કરાયો નહોતો. આથી પોલીસ માની રહી છે કે ફાયરીંગ માત્ર ડરાવવા માટે કરવામાં આવ્યું છે. પોલીસે દુકાનદારની પુછપરછ કરતા તેણે પણ કોઈની સાથે દુશમનાવટ નહીં હોવાનું અને કોઈની સાથે નાણાંકીય લેવડદેવડ અંગે વિખવાદ નહીં હોવાનું જણાવ્યું હતું. હાલ એફએસએલના રિપોર્ટમાં ગનથી ફાયરીંગ કર્યાંનું સ્પષ્ટ થતા પોલીસે કોઈકની જીંદગી જોખમમાં મુકવાનો તેમજ આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરી બનાવ પાછળ અંગત અદાવત જવાબદાર હોવાની શક્યતાના આધારે વધુ તપાસ હાથ ધરી છે.સરથાણા જકાતનાકા સ્થિત રાઈઝ ઓન પ્લાઝામાં આવેલા સુખારામ જવેલર્સ પર ફાયરીંગ કરનાર યુવાનની ગતિવિધિ ચકાસવા પોલીસે કોમ્પ્લેક્ષના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા તો તે ફાયરીંગ બાદ બહાર નીકળતો નજરે ચઢ્યો નહોતો. જોકે, ઝીણવટભરી તપાસમાં જાણવા મળ્યું હતું કે તેણે કોમ્પ્લેક્ષમાં જ્યાં સીસીટીવી કેમેરા નહોતા ત્યાં કપડાં બદલ્યા હતા અને ત્યાર બાદ બહાર નીકળી તે કામરેજ તરફ ગયો હતો

(10:44 pm IST)