Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

અમદાવાદ પટવાશેરીમાં એમડી ડ્રગ્સ વેચતા ડિલરનું ડ્રગ્સ વધારે લેતા મોત : ભારે ચકચાર

ત્રણ દરવાજાના પટવાશેરી વિસ્તારમાં રહેતો અંજુમ એમડી ડ્રગ્સનો વેપલો કરતો હતો

અમદાવાદના પટવાશેરીમાં એમડી ડ્રગ્સ વેચતા ડિલરનું ડ્રગ્સ વધારે માત્રામાં લેવાના કારણે મોત થતા ભારે ચકચાર જોવા મળી રહી છે. અમદાવાદના અતિ સંવેદનશીલ અને એમડી ડ્રગ્સનો એપી સેન્ટર ગણવામાં આવતો ત્રણ દરવાજાના પટવાશેરી વિસ્તારમાં રહેતો અંજુમ એમડી ડ્રગ્સનો વેપલો કરતો હતો.

અંજુમ થોડાક સમય પેહલા લતીફ ગેંગના સાગરીત મહંમદ ટેમ્પો સાથે ઝડપાયેલા હથિયારના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ અંજુમ જામીન પર મુકત થયો હતો. અંજુમ પટવાશેરી અને તેની આસપાસના વિસ્તારોમાં પેડલરોને એમડી ડ્રગ્સ સપ્લાય કરતો હોવાનું સામે આવ્યું હતું. અંજુમ પોતે પણ એમડી ડ્રગ્સનો બંધાણી હતો. ગઈકાલે રાત્રે અંજુમ અને તેના મિત્રોએ એમડી ડ્રગ્સનું વધારે પડતો સેવન કરી લીધો હતો. જેના કારણે તેની તબિયત લથડી ગઈ હતી અને સવાર પડતા જ તેનું મોત નીપજ્યું હતુ.

હાલ અંજુમની દફનવિધિ થઈ ગઈ છે પણ મહ્ત્વની બાબત એ છેકે, દેશભરમાંથી સૌથી વધારે ડ્રગ્સનો જથ્થો હાલ ગુજરાતમાંથી ઝડપાઈ રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં પણ પટવાશેરી વિસ્તારમાં એમડી ડ્રગ્સનો વેપાર ખુલ્લેઆમ ચાલી રહ્યો છે. જોવાનુ એ રહ્યું કે, કારંજ પોલીસે આ ડ્રગ્સના વેપાર સામે કેમ આંખ આડા કાન કરી રહી છે.

પટવાશેરીમાંથી જ ગત વર્ષે ફિરોઝ ચોર અને તેની પત્નીને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક કિલો એમડી ડ્રગ્સ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.

આ સિવાય પાપા નામના ડ્રગ્સ ડિલરને પણ પટવાશેરીમાં ડ્રગ્સ વેંચતા ઝડપી લેવામાં આવ્યો હતો. પટવાશેરી વિસ્તાર પહેલાથી જ ડ્રગ્સનું હબ રહ્યું છે. અને હાલ પણ આ વિસ્તારમાં નાના મોટા પેડલરો એમડી ડ્રગ્સ વેચી રહ્યા છે. પોલીસ વાહન ચેકીંગ અને માસ્ક ચેકીંગ સિવાય ડ્રગ્સ સામે કાર્યવાહી કરે તો આ દુષણ જરૂર દૂર થશે.

(12:20 am IST)