Gujarati News

Gujarati News

News of Thursday, 14th January 2021

આદિવાસી વિસ્તારોની રાજ્ય સરકારે વિશેષ ખેવના કરી છે :મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રીના હસ્તે મહિસાગર જિલ્લામાં રૂ. ૧૧૭ કરોડના વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત અને કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ: રાજ્યના ૧૪ જિલ્લાના આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે રૂ. એક લાખ કરોડનો યોજનાકીય ખર્ચ કર્યો : સરકારે પેસા એક્ટનો અમલ કરી આદિવાસીઓને વન-ખનિજસંપદા અને જંગલની જમીનના અધિકારો આપ્યા

અમદાવાદ : રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારના ૧૪ જિલ્લાના આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે રૂ. એક લાખ કરોડનો યોજનાકીય ખર્ચ કર્યો છે. આ વિસ્તારોમાં શિક્ષણ, આવાસ, કૃષિ, સિંચાઇ, પશુપાલન, આરોગ્ય, રસ્તા અને વીજળીની સુવિધા બહેતર બનાવવામાં આવી છે. આ વિસ્તારોની રાજ્ય સરકાર વિશેષ ખેવના કરી રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

  ઉક્ત સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે, અમારી સરકારે પેસા એક્ટનો અમલ કરી આદિવાસીઓને વનસંપદા અને ખનિજસંપદાના અધિકારો આપવા સાથે ૯૦ હજાર આદિવાસી પરિવારોને જંગલની જમીનના માલિકહક્કો આપ્યા છે.
  મુખ્યમંત્રી રૂપાણીએ લુણાવાડા ખાતે મહિસાગર જિલ્લાના નાગરિકો માટે રૂ. ૧૧૭ કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું અને મધ્ય ગુજરાતમાં કિસાન સૂર્યોદય યોજનાના બીજા ચરણનો પ્રારંભ કરાવ્યો હતો.
  તેમણે જણાવ્યું કે, ભૂતકાળમાં લોકોની સમસ્યાઓને નજર અંદાજ કરવામાં આવી હતી. તેના ઉકેલ માટે કોઇ જ યોજનાકીય કામગીરી કરવામાં આવી નહોતી. તેના પરિણામે ગરીબ વધુ ગરીબ થતો ગયો હતો. ખેડૂતો માટે બરબાદીના દિવસો આવી ગયા હતા. પણ, અમારી સરકારે લોકોની પ્રાથમિક જરૂરિયાતોને ધ્યાને રાખી કરેલા વિકાસ કામોથી લોકોની આશા, અપેક્ષાઓ અને સપનાઓ સાકાર કર્યા છે.
 મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતની તમામ ક્ષેત્રમાં કાયાપલટ કરી વિકાસને ચરમ સિમાએ પહોંચાડી, વિકાસની રાજનીતિના યુગનો સમગ્ર દેશમાં પ્રારંભ કરાવ્યો હતો.
 મહિસાગર જિલ્લાના ખેડૂતો માટે આજે સોનાનો સૂરજ ઉગ્યો છે એવી લાગણી વ્યક્ત કરતા  રૂપાણીએ કહ્યું કે, હવે ખેડૂતોને પાણી વાળવા માટે રાતના ઉજાગરા કરવા પડશે નહીં. પહેલા ખેડૂતો રાતે ખેતર ઉપર પાણી વાળવા માટે જતા ત્યારે તેમને જીવજંતી અને જંગલી પશુઓનો ડર રહેતો હતો. ઘર રહેલા તેમના પરિવારજનો પણ ચિંતાતુર રહેતા હતા. તેને ધ્યાને રાખીને રાજ્ય સરકારે ખેડૂતોની વર્ષોની જૂની માંગણીને સંતોષી રૂ. ૩૫૦૦ કરોડની કિસાન સૂર્યોદય યોજના અમલમાં મૂકી છે. હવે ખેડૂતોને દિવસે ગુણવત્તાયુક્ત વીજળી મળતા રાતે ઉજાગરામાંથી મુક્તિ મળશે. દિવસે કામ અને રાત્રે આરામના કુદરતી નિયમનું અનુપાલન થશે.  નરેન્દ્રભાઇએ જ્યોતિગ્રામ યોજના થકી રાજ્યના તમામ ગામોમાં ૨૪ કલાક વીજળી પહોંચાડી હતી અને અમે દેશમાં સર્વપ્રથમ વાર મહત્વાંકાક્ષી કિસાન સૂર્યોદય યોજના અમલી બનાવી ખેડૂતોને રાતના અંધારા ઉલેચ્યા છે.
આ માસના અંત સુધીમાં રાજ્યના ચાર હજાર ગામડાઓના ખેડૂતોને દિવસે વીજળી મળતી થઇ જશે તેમ જણાવતા તેમણે ઉમેર્યું કે, આગામી ત્રણ વર્ષમાં રાજ્યના તમામ ૧૮ હજાર ગામોને તબક્કાવાર કિસાન સૂર્યોદય યોજનામાં આવરી લેવાશે. પહેલા ખેડૂતોને લંગડી વીજળી એટલે કે વિક્ષેપ સાથે વીજળી આપવામાં આવતી હતી. ટ્રાન્સફોર્મર બળી ગયા બાદ મહિનાઓ સુધી તેને બદલવામાં આવતા નહોતા. પણ, અમારે ખેડૂતોને ગુણવત્તાયુક્ત વીજળી આપવા માટે સબસ્ટેશન વધાર્યા, ટ્રાન્સફોર્મરો તુરંત બદલ્યા છે.
  મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આદિવાસી વિસ્તારોમાં ઉચ્ચ શિક્ષણ સરળતાથી મળી રહે તે માટે તાલુકાકક્ષાએ વિજ્ઞાન પ્રવાહની શાળા અને કોલેજો, એકલવ્ય અને મોડેલ શાળાઓ, કુમાર અને કન્યા છાત્રાલયો શરૂ કરવા સાથે જિલ્લા મથકોએ મેડિકલ કોલેજ શરૂ કરી છે. જેથી આદિવાસી યુવક-યુવતીઓનું તબીબ-ઇજનેર બનવાનું સ્વપ્ન સાકાર થશે.
રાજ્ય સરકારે દુર્ગમ વિસ્તારોના લોકોના આરોગ્યની સારી રીતે દરકાર કરી છે, એમ જણાવતા  રૂપાણીએ ઉમેર્યું કે, સિકલસેલ એનીમિયા સામે અભિયાન ઉપાડવામાં આવ્યું છે. આદિવાસી પરિવારોને મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ આપીને ગંભીર પ્રકારની બિમારીઓની વિનામૂલ્યે સારવાર કરાવી છે.
તેમણે એક મહત્વની વાત કરતા કહ્યું કે, કુદરતી સંપદા ઉપર પ્રથમ અધિકાર ગરીબો, પીડિતો અને વંચિતોનો છે અને તે અધિકાર આ સરકાર તેમને આપી રહી છે. આ સરકારના હૈયે હરહંમેશ ગરીબો, પીડિતો, શોષિતો, ખેડૂતો, આદિવાસીઓ, ગામડાઓ, મહિલાઓ અને યુવાનોનું હિત વસેલું છે.
  રાજ્ય સરકારના વિકાસનો ગ્રાફ આપતા તેમણે કહ્યું કે, ભૂતકાળમાં રાજ્ય સરકારનું બજેટ માત્ર ૮-૯ હજાર કરોડ જેટલું જ હતું. પણ, આજે આ બજેટનો આંક રૂ. ૨.૧૦ લાખ કરોડને આંબી ગયું છે. એક વિભાગનું બજેટ ૧૦-૧૫ હજાર કરોડ જેટલુ તો શિક્ષણ અને આરોગ્યનું બજેટ ૩૦ હજાર કરોડ જેટલું થઇ જાય છે. તેનું કારણ એ છે કે, ભૂતકાળની સરકારોની તિજોરીમાં ભ્રષ્ટાચારના બાંખોરા હતા. વિકાસ કરવાની રાજકીય ઇચ્છાશક્તિ નહોતી.
 કોરોનાકાળમાં પણ વિકાસની ગતિ અટકવા દીધી નથી, તેમ કહેતા રૂપાણીએ જણાવ્યું કે, છેલ્લા પાંચ જ માસમાં રૂ. ૨૫ હજાર કરોડના વિકાસ કામો રાજ્યમાં કરવામાં આવ્યા છે. ગુજરાતનો કોઇ વ્યક્તિ ભૂખ્યો ના રહે તે માટે ૬૭ લાખ લોકોને વિનામૂલ્યે-રાહતદરે રાશન આપવામાં આવી રહ્યું છે. આ ૬૭ લાખ ઉત્તરાયત નિમિત્તે એક કિલો ચણા  વિનામૂલ્યે આપવાનો ઉદ્દાત નિર્ણય કરાયો છે.
 રાજ્ય સરકારની સંકલ્પના વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાત આજે દંગામુક્ત, આતંકમુક્ત, ભયમુક્ત, દુષ્કાળમુક્ત વચેટિયામુક્ત, અંધારામુક્ત, લાયસન્સરાજમુક્ત બન્યું છે. હવે, અમે ગુજરાતને બેકારીમુક્ત, ભ્રષ્ટાચારમુક્ત, અજ્ઞાનમુક્ત, ભુખમુક્ત બનાવવાની દિશામાં દૃઢ નિર્ધાર સાથે આગળ વધી રહ્યા છીએ. ગાંધી, સરદાર અને મોદીનું ગુજરાત દેશનું ગ્રોથ એન્જીન બન્યું છે.  
  મુખ્યમંત્રીએ મહિસાગરના કવિ મનહર સુથારના કાવ્ય સંગ્રહ મનોગતનું વિમોચન પણ આ વેળાએ કર્યું હતું.
ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું કે, સરકારે તમામ વર્ગની ચિંતા કરી છે. અને તેમના સર્વાગી વિકાસ માટે યોજનાઓ અમલમાં મુકી છે. ભૂતકાળની સાપેક્ષમાં આજે થયેલા વિકાસ કામો નજર સમક્ષ છે.  
  તેમણે ઉમેર્યું કે, વીજળી અંગે લોકોની  વર્ષોની માંગણી સંતોષવામાં આવી છે. વીજ ઉત્પાદન, તેની ગુણવત્તા, વિતરણ, કૃષિ વીજ જોડાણની સમસ્યા આ સરકારે  ઉકેલી છે.  ભૂતકાળની સરકારોએ મહિસાગર જિલ્લામાં ૪૨ વર્ષમાં ૬ હજાર કૃષિ વીજ જોડાણો આપ્યા હતા. તેની સામે અમારી સરકારે ચાર ગણા વધુ ૨૪ હજાર કૃષિ જોડાણ આપી ખેડૂતોને ગુણવત્તાયુક્ત વિજળી આપી છે. રાજય સરકારે ખેડૂતોને રૂા.૧૮૦૦ કરોડ વીજ સબસીડી આપી છે. કૃષિ જોડાણના દરોમાં પણ ખેડૂતોના હિતોને ધ્યાને લઇ વધારો કરાયો નથી. આગામી ૨૦મી જાન્યુઆરી સુધીમાં ચાર હજાર ગામોના ખેડૂતોને દિવસે વીજળી મળતી થઇ જશે. બાકીના  ગામોને તબક્કા વાર તેમાં આવરી લેવાશે.
  રાજ્ય મંત્રી જયદ્રથસિંહ પરમાર, સાંસદ રતનસિંહ રાઠોડ તથા જસવંતસિંહ ભાભોરે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. આરંભે સ્વાગત પ્રવચન એમજીવીસીએલના એમડી શ્રી તુષાર ભટ્ટે સ્વાગત પ્રવચન અને આભારવિધિ કલેક્ટર આર. બી. બારડે કરી હતી.
આ પ્રસંગે ગુજરાત મહિલા આયોગના ચેરમેન શ્રીમતી લીલાબેન અંકોલીયા, ધારાસભ્ય સર્વ કુબેરભાઇ ડીંડોર, જીગ્નેશભાઇ સેવક, પુર્વ મંત્રી ભુપેન્દ્ર લાખાવાલા, પુર્વ ધારાસભ્યઓ, પક્ષ અગ્રણી દશરથભાઇ બારીયા, સંગઠનના પદાધિકારીઓ, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિ.ના મેનેજીંગ ડીરેક્ટર શ્રીમતી શાહમીના હુસૈન, જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, જિલ્લા પોલીસ વડા આર.પી.બારોટ, જિલ્લાના અધિકારીઓ અને  કિસાન સુર્યોદય યોજનાના લાભાર્થી ખેડૂતો હાજર રહ્યા હતા.

(8:25 pm IST)