Gujarati News

Gujarati News

News of Thursday, 14th January 2021

પ્રજાના પૈસાનો પ્રમાણિકતાથી આયોજનપૂર્વક અને દીર્ઘદ્રષ્ટિથી ઉપયોગ કરી વિકાસ કામોનું આયોજન કરવું એ જ અમારો નિર્ધાર :નીતિનભાઇ પટેલ

ગાંધીનગરને વિશ્વકક્ષાનું શહેર બનાવી તમામ પ્રકારની સવલતો ઊભી કરાશે: સરખેજ-ગાંધીનગર- ચિલોડાના છ માર્ગીય રોડ પર આવતા અન્ય ફ્લાયઓવરના કામો આગામી ત્રણ માસમાં પૂર્ણ કરાશે: દેશનું એકમાત્ર રાજ્ય ગુજરાત : બે શહેરો વચ્ચે છ માર્ગીય રસ્તા પર ફલાય ઓવર અને ૪ કિ.મી. લાંબા એલીવેટર બ્રીજના કામો પ્રગતિમાં જે તબક્કાવાર પૂર્ણ કરાશે: ગાંધીનગરના પ્રવેશદ્વાર ઉવારસદ ખાતે ફ્લાયઓવર અને ત્રિ મંદિર અડાલજથી હનુમાન મંદિર સુધીના ૧૦ માર્ગીય રસ્તાનું લોકાર્પણ કરતાં નાયબ મુખ્યમંત્રી

અમદાવાદ : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે પ્રજાના પૈસાનો પ્રમાણિકતાથી આયોજનપૂર્વક અને દીર્ઘદ્ષ્ટિથી ઉપયોગ કરી વિકાસ કામોનું આયોજન કરવાનો અમારો નિર્ધાર છે. જેના પરિણામે જ વિકાસ ક્ષેત્રે ગુજરાત દેશભરમાં રોલમોડલ બની રહ્યુ છે.
  આજે ગાંધીનગરનાં પ્રવેશદ્વાર એવા ઉવારસદ જંકશન ખાતે રૂા.૧૭ કરોડના ખર્ચે નવનિર્મિત ફ્લાયઓવર અને રૂા. ૨૧.૬૭ કરોડના ખર્ચે નિર્મિત ત્રિમંદિર અડાલજથી હનુમાન મંદિર સુધીના ૧૦ માર્ગીય રસ્તાનું લોકાર્પણ કરતા નાયબ મુખ્યમંત્રી પટેલે ઉમેર્યુ કે સરખેજ- ગાંધીનગર-ચિલોડા માર્ગને રૂા.૮૫૦ કરોડના ખર્ચે છ માર્ગીય બનાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યુ છે. આ માર્ગ પર આવતા તમામ સર્કલ પર ફ્લાયઓવર બની રહ્યા છે તે પૈકી અમદાવાદ શહેરના બે ફ્લાયઓવરનું ઉદઘાટન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહની વર્ચુઅલી ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે સંપન્ન કરાયું છે. આજે આ ત્રીજા ફ્લાયઓવરનું લોકાર્પણ કરાયુ છે અને આગામી ત્રણ માસમાં અન્ય ફ્લાયઓવરના કામો પૂર્ણ કરવાનું અમારુ આયોજન છે જેના પરિણામે ગાંધીનગરમાં દેશભરમાંથી આવતા નાગરિકોના સમયની સાથે સાથે સુરક્ષામાં વધારો અને પેટ્રોલ ડિઝલની બચત થશે તેમજ ટ્રાફિકનું ભારણ પણ ઘટશે.
નાયબ મુખ્યમંત્રી પટેલે ઉમેર્યુ છે કે, દેશનું એક માત્ર રાજ્ય ગુજરાત છે કે જ્યાં બે શહેરોને જોડતા છ માર્ગીય હાઇવે પર ફ્લાયઓવર અને ૪  કિ.મી.નો એલીવેટર બ્રીજનું કામ પણ ચાલુ છે જે પણ તબક્કાવાર પૂર્ણ કરવામાં આવશે. તેમણે ઉમેર્યુ કે, ગુજરાતનું પાટનગર ગાંધીનગર એ ગુજરાતનું હૃદય છે. ગાંધીનગરને વિશ્વ કક્ષાનું શહેર બનાવવા માટે પણ અમે નક્કર આયોજન કર્યુ છે અને આગામી સમયમાં તમામ પ્રકારની સવલતોનું નિર્માણ કરાશે.    
  નાયબ મુખ્યમંત્રી પટેલે કહ્યુ કે, દેશના વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઇ મોદીના ‘‘સૌનો સાથ સૌનો વિકાસ’’ના મંત્ર ને ચરિતાર્થ કરવા માટે આપણા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી સરકાર જે ટીમવર્કથી કામગીરી કરી રહી છે. જેના પરિણામે ગુજરાતના નાગરિકો અમારા ઉપર વિશ્વાસ રાખે છે તેને ચરિતાર્થ કરવાની પણ અમારી જવાબદારી અમે સુપેરે નિભાવી રહ્યા છીએ. અમારા પ્રમાણિક વહીવટ અને  પ્રજાકીય સહયોગ તથા દ્ષ્ટિવંત આયોજનને પરિણામે કોરોનાના કપરા કાળમાં પણ એકપણ કર્મચારીનો પગાર એક દિવસ મોડો થવા નથી દીધો. અન્ય રાજ્યોમાં શું પરિસ્થિતી હતી તે આપણે જાણીએ છીએ. આજે જી.એસ.ટી. અને વેટની આવકમાં પણ વધારો થયો છે. પેટ્રોલ, ડીઝલ, સી.એન.જીનું વેચાણ પણ વધ્યુ અને તેની આવક પણ ઉત્તરોત્તર વધી છે. એટલું જ નહિ કોરોનાનું સંક્રમણ રોકવા તથા સંક્રમિત નાગરિકોને ગુણવત્તાલક્ષી સારવાર આપવા માટે અંદાજે રૂા.૧૦૦૦ કરોડથી વધુના ખર્ચે સરકારે વિનામૂલ્યે સારવાર પૂરી પાડી છે. જ્યારે આગામી ૧૬મી જાન્યુઆરીથી કોરોના માટે વિશ્વના સૌથી મોટા વેક્સિનેશન કાર્યક્રમની શરૂઆત વડાપ્રધાનશ્રી ના હસ્તે દેશભરમાં થવાનો છે એ સંદર્ભે ગુજરાતે પણ સંપૂર્ણ તૈયારી કરી લીધી છે અને એ દિવસે ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને પ્રથમ તબક્કામાં રસી અપાશે તેમ તેમણે ઉમેર્યુ હતુ.
આ પ્રસંગે અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખભાઇ પટેલ,ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શંભુજી ઠાકોર, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી રીટાબેન પટેલ, માર્ગ મકાન વિભાગના સચિવ એસ.વી.વસાવા, જિલ્લાના પદાધિકારીઓ અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

(8:31 pm IST)